ઓલિમ્પિક દિવસ નિમિત્તે ‘યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ’ અભિયાનનો પ્રારંભ

Spread the love

IOC, અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલથી દેશના લાખો યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહન

નવી દિલ્હી

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC), અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશને ઓલિમ્પિક દિવસની ઉજવણીના ભાગરૂપે ‘યુ કેન ડૂ ધીસ! લેટ્સ મૂવ’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ સાથે જોડીને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે.

યુવાનોમાં આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ

‘લેટ્સ મૂવ’ અભિયાન ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ (OVEP) અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ અભિયાન દ્વારા 2 કરોડથી વધુ યુવાનો સુધી પહોંચવામાં સફળતા મળી છે. આ વર્ષે ‘યુ કેન ડૂ ધીસ’ સંદેશ સાથે યુવાનોમાં આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મક વિચારધારા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આરોગ્ય માટે ચિંતાજનક આંકડા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં 11થી 17 વર્ષની વયના 74 ટકા બાળકો અને કિશોરો તથા 49 ટકા પુખ્ત વયના લોકો જરૂરી શારીરિક પ્રવૃત્તિ કરતા નથી. જેના કારણે આરોગ્ય સંબંધિત પડકારો વધી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે રમતગમત માત્ર તંદુરસ્તી જ નહીં પરંતુ જીવન કૌશલ્ય, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

પાંચ રાજ્યોમાં વિસ્તરશે કાર્યક્રમ

અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન હવે ઓડિશા, આસામ, ચંદીગઢ ઉપરાંત પ્રથમ વખત તેલંગાણા અને મેઘાલયમાં પણ આ કાર્યક્રમનો વિસ્તાર કરશે. અભિયાન દરમિયાન યોગ, ઇન્ડોર ગેમ્સ અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા આશરે 40 લાખ વિદ્યાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રિલાયન્સ ફાઉન્ડેશનની વિશેષ પહેલ

રિલાયન્સ ફાઉન્ડેશન દેશભરમાં 1,800 આંગણવાડીઓ અને 44 હજારથી વધુ બાળકોને આ અભિયાન સાથે જોડશે. મનોરંજક રમતો, શારીરિક પ્રવૃત્તિઓ અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ કાર્યક્રમો દ્વારા બાળકોને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ઓલિમ્પિક દિવસની વિશેષ ઉજવણી

23 જૂનના ઓલિમ્પિક દિવસે દેશભરના કોમ્યુનિટી રનિંગ ક્લબ્સ 20 મિનિટ અને 28 સેકન્ડની પ્રતીકાત્મક દોડનું આયોજન કરશે. આ કાર્યક્રમ LA28 ઓલિમ્પિક્સ અને તેમાં ક્રિકેટના સમાવેશની ઉજવણી સાથે યુવાનોને રમતગમત તરફ આકર્ષવાનો પ્રયાસ કરશે. આ અભિયાન દ્વારા રમતગમતની શક્તિથી આત્મવિશ્વાસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ દેશના કરોડો યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *