ગોંડલની મસાલા ફેક્ટરીમાં ખાદ્ય સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી, રૂ. 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ

Spread the love

જન આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજકોટ
રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત દેખરેખ અને કડક અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલી એક મસાલા ફેક્ટરીમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગોંડલમાં સઘન તપાસ, ચાર ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ દ્વારા તા. 17 જૂન, 2026ના રોજ ગોંડલના ભીમવાડી વિસ્તારમાં આવેલી સત્યમ મસાલા નામની પેઢી પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ધાણા પાઉડર, કોર્ન પાઉડર, મરચું પાઉડર અને હળદર પાઉડર સહિત કુલ ચાર ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાતા મોટા જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી પણ કરી હતી.

35 હજાર કિલોથી વધુ જથ્થો જપ્ત

તપાસ દરમિયાન ધાણા પાઉડર અને કોર્ન પાઉડરના આશરે 6,766 કિલોગ્રામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 8.22 લાખથી વધુ થાય છે. ઉપરાંત મરચું પાઉડર અને હળદર પાઉડરના આશરે 28,671 કિલોગ્રામ જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યો હતો, જેની કિંમત રૂ. 1.02 કરોડથી વધુ હોવાનું અનુમાન છે.

આ રીતે કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 1,11,04,205 થાય છે, તેને સત્તાવાર રીતે સીઝ કરવામાં આવ્યો છે.

લેબોરેટરી રિપોર્ટ બાદ થશે કાયદેસરની કાર્યવાહી

અધિકારીઓએ જણાવ્યું હતું કે લેવામાં આવેલા તમામ નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જન આરોગ્યના હિતમાં ઝીરો ટોલરન્સની નીતિ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્ય માટે જોખમરૂપ ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવશે અને આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *