ભાવનગરમાં ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો રોમાંચ યથાવત, એફસી બુશહર અને ગંગાનગર સિટી એફસીની જીત

Spread the love

AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ દેશભરની 13 ટીમો વચ્ચે જંગ, ક્વાર્ટર ફાઇનલ માટે જોરદાર સ્પર્ધા

ભાવનગર:
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26 સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ભાવનગર સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઉત્સાહભેર ચાલી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી પ્રતિષ્ઠિત ક્લબો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ગુરુવારે રમાયેલી બંને મેચોમાં ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરીને દર્શકોને રોમાંચિત કર્યા હતા.

એફસી બુશહરની કોરમંડલ એફસી પર ભવ્ય જીત

દિવસની પ્રથમ મેચમાં હિમાચલ પ્રદેશની એફસી બુશહરે આંધ્ર પ્રદેશની કોરમંડલ એફસીને 9-5ના મોટા અંતરથી હરાવી હતી. એફસી બુશહર તરફથી ક્લીન્ટોન રોજારિયોએ શાનદાર ત્રણ ગોલ ફટકાર્યા હતા, જ્યારે મેરવિન સ્ટીફન અને વિરેન્દ્રસિંહે બે-બે ગોલ નોંધાવ્યા હતા. લક્ષ અને સાહબાજે એક-એક ગોલ કરીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું.

કોરમંડલ એફસી તરફથી સેલટોન, મહમદ બસીર, હાફિઝ, ઈશ્વર પ્રસાદ અને સૈયદ સોહૈલે એક-એક ગોલ નોંધાવ્યા હતા, પરંતુ તે ટીમને પરાજયથી બચાવી શક્યા નહોતા.

ગંગાનગર સિટી એફસીનો વિજયી દેખાવ

બીજી મેચમાં રાજસ્થાનની ગંગાનગર સિટી એફસીએ દાદરા નગર હવેલી, દમણ-દીવની યંગ હાર્ટ્સ એફસીને 5-3થી હરાવી હતી. ગંગાનગર માટે સૌરભ શર્મા અને કિશનસિંહે બે-બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે અંકિત રાણાએ એક ગોલ કર્યો હતો.

યંગ હાર્ટ્સ એફસી તરફથી દુલફૂખર અલી અને જય હળપતિએ એક-એક ગોલ નોંધાવ્યો હતો. મેચ દરમિયાન ગંગાનગરના સૌરભ શર્માના સેલ્ફ ગોલને કારણે યંગ હાર્ટ્સને એક વધારાનો ગોલ મળ્યો હતો, છતાં ગંગાનગરે જીત પોતાના નામે કરી હતી.

ક્વાર્ટર ફાઇનલ માટે ટીમો વચ્ચે રસાકસી

ચેમ્પિયનશીપમાં કુલ 13 ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થશે. આ કારણે દરેક મેચનું મહત્વ વધી ગયું છે અને ટીમો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે.

19 જૂને ત્રણ મહત્વપૂર્ણ મુકાબલા

19 જૂનના રોજ ત્રણ મહત્વપૂર્ણ મેચો રમાશે. પ્રથમ મુકાબલો બિલ્ડ અપ સ્પોર્ટ્સ (મધ્ય પ્રદેશ) અને કોર્બેટ એફસી (ઉત્તરાખંડ) વચ્ચે થશે. બીજી મેચમાં મિનરવા અકેડેમી (પંજાબ) અને ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ આમને-સામને આવશે. જ્યારે દિવસની ત્રીજી અને સૌથી રસપ્રદ મેચમાં મહારાષ્ટ્રની મિલત એફસીનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોલ હન્ટર્સ (દિલ્હી) સાથે થશે. આ મુકાબલાઓ પર ફૂટસલ પ્રેમીઓની નજર ટકેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *