AIFF અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ દેશભરની 13 રાજ્યોની ટીમો વચ્ચે જંગ, પ્રથમ દિવસે ત્રણ રસપ્રદ મુકાબલા
ભાવનગર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે. દેશના વિવિધ 13 રાજ્યોમાંથી આવેલી પ્રતિષ્ઠિત ક્લબોની ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે રમાયેલી ત્રણેય મેચોએ દર્શકોને રોમાંચથી ભરપૂર રમતનો અનુભવ કરાવ્યો હતો.
બિલ્ડ અપ સ્પોર્ટ્સનો વિજયી પ્રારંભ
દિવસની પ્રથમ મેચમાં મધ્ય પ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સ ટીમે ગોવાની પોંડા ફૂટબોલર ટીમને 9-6ના સ્કોરથી હરાવી વિજયી શરૂઆત કરી હતી. બિલ્ડ અપ સ્પોર્ટ્સ તરફથી રોહિતસિંહે હેટ્રિક સાથે ત્રણ ગોલ ફટકાર્યા હતા, જ્યારે પાઓલેંમોઈ અને ઋષભે બે-બે ગોલ નોંધાવ્યા હતા. શુભમ અને અનિકેતકુમારે એક-એક ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગોવા તરફથી મીચેલ સિલ્વાએ બે ગોલ કર્યા હતા, જ્યારે ક્રિશવેલ જોશેફ, સેમ્યુલ, અસ્વેલ અને સંતોષે એક-એક ગોલ નોંધાવ્યો હતો.
મિલત એફસીએ મિનરવા અકેડેમીને હરાવી
બીજી મેચમાં મહારાષ્ટ્રની મિલત એફસીએ પંજાબની મિનરવા અકેડેમી સામે 2-1થી જીત મેળવી હતી. કિંગન પિન્ટો અને સન્ની કોવીએ મિલત એફસી માટે ગોલ નોંધાવ્યા હતા. મિનરવા અકેડેમી તરફથી મોહમ્મદ આજમ ખાને એકમાત્ર ગોલ કર્યો હતો, પરંતુ ટીમને પરાજયથી બચાવી શક્યા નહોતા.
ગુજરાત અને દિલ્હી વચ્ચે રોમાંચક 5-5થી ડ્રો
દિવસની સૌથી ચર્ચાસ્પદ અને રોમાંચક મેચ ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન દિલ્હી ગોલ હન્ટર્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમોએ આક્રમક રમત દર્શાવતા 5-5ના સ્કોર સાથે મેચ ડ્રૉ રાખી હતી. હાફ ટાઈમ સુધી બંને ટીમો 3-3થી બરાબરી પર હતી.
ગુજરાત તરફથી લાલસાવ્મ્પુયાએ બે ગોલ કર્યા હતા, જ્યારે અમન શાહ, નિખિલ માલી અને ચૈતન કુમારપંતે એક-એક ગોલ નોંધાવ્યો હતો. દિલ્હી તરફથી માનવ રાવત, કૃષ્ણ કુમાર, સહિલ કુમાર, મહિપ અધિકારી અને મુકુલ શૌને એક-એક ગોલ કરીને ટીમને બરાબરી અપાવી હતી.
