41 વર્ષની ઉંમરે ફાફ ડુ પ્લેસિસની તોફાની બેટિંગ, માત્ર 52 બોલમાં સદી ફટકારી

Spread the love

મેજર લીગ ક્રિકેટની પ્રથમ મેચમાં અણનમ 113 રન, ટેક્સાસ સુપર કિંગ્સને અપાવી યાદગાર જીત

એસવીએન. ડલાસ:

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસએ ઉંમર માત્ર એક આંકડો છે તે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે. 41 વર્ષની ઉંમરે પણ તેમના બેટની ધાર યથાવત જોવા મળી રહી છે. મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની શરૂઆત જ તેમણે ધમાકેદાર અંદાજમાં કરી છે. ટેક્સાસ સુપર કિંગ્સ તરફથી રમતા ફાફે માત્ર 52 બોલમાં અણનમ 113 રનની તોફાની ઇનિંગ્સ રમી પોતાની ટીમને અવિસ્મરણીય જીત અપાવી હતી.

221 રનના લક્ષ્યનો કર્યો સફળ પીછો

મેચમાં પહેલા બેટિંગ કરતા સિયાટલ ઓર્કાસએ 20 ઓવરમાં 220 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ સ્કોર સામે ટેક્સાસ સુપર કિંગ્સ માટે જીત મુશ્કેલ માનવામાં આવી રહી હતી, પરંતુ ફાફ ડુ પ્લેસિસે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરીને મેચનો રંગ બદલી નાખ્યો હતો.

9 ચોગ્ગા અને 7 છગ્ગાનો વરસાદ

ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા ફાફે માત્ર 52 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 113 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેમની આ વિસ્ફોટક બેટિંગના કારણે ટેક્સાસ સુપર કિંગ્સે 221 રનનો પડકારજનક લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર પણ ફાફની ઇનિંગ્સની ભારે ચર્ચા થઈ રહી છે.

ટિમ સીફર્ટની સદી પર ફેરવ્યું પાણી

સિયાટલ ઓર્કાસ માટે ટિમ સીફર્ટએ 66 બોલમાં 104 રનની શાનદાર સદી ફટકારી હતી. જ્યારે શાયન જહાંગીરએ 78 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. બંનેની ઇનિંગ્સના આધારે ટીમ 220 રન સુધી પહોંચી હતી. જોકે ફાફની તોફાની બેટિંગ સામે તેમનો આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છતાં યથાવત જલવો

ફાફ ડુ પ્લેસિસે છેલ્લી વખત 2020માં આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી હતી. તેમ છતાં વિશ્વભરની ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગોમાં તેઓ સતત પોતાની બેટિંગથી પ્રભાવ પાડી રહ્યા છે. તેમના નામે 69 ટેસ્ટમાં 4,163, 143 વન-ડેમાં 5,507 અને 50 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1,528 રન નોંધાયેલા છે. 41 વર્ષની ઉંમરે પણ તેમની આ ઇનિંગ્સ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *