પાલડી ખાતે 24×7 મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત, શહેરના 25 ઝોનલ કંટ્રોલરૂમ સાથે સીધી કનેક્ટિવિટી
અમદાવાદ:
ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને ઝડપી રાહત અને સમસ્યાઓના તાત્કાલિક નિવારણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશેષ મોનસૂન કંટ્રોલ રૂમ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પાલડી ખાતે ગત 1 જૂનથી ત્રણેય શિફ્ટમાં 24 કલાક કાર્યરત મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે શહેરના સાત ઝોનમાં આવેલા કુલ 25 કંટ્રોલ રૂમો સાથે સીધો જોડાયેલો છે.
રિયલ-ટાઇમ મોનીટરિંગ માટે આધુનિક વ્યવસ્થા
ચોમાસા દરમિયાન વરસાદની સચોટ અને ત્વરિત માહિતી મેળવવા AMC દ્વારા શહેરમાં 42 ઓટોમેટિક રેઈન ગેજ અને 13 એનાલોગ રેઈન ડેટા લોગર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્ય કંટ્રોલરૂમને વિવિધ અન્ડરપાસ સાથે વાયરલેસ સિસ્ટમ અને CCTV કેમેરા દ્વારા જોડવામાં આવ્યો છે, જેથી વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી શકાય.
વાસણા બેરેજ અને ધરોઈ ડેમ પર સતત નજર
મુખ્ય કંટ્રોલરૂમ દ્વારા Vasna Barrage અને Dharoi Damના જળસ્તરની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પાણીની આવક અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર અગાઉથી એલર્ટ રહી જરૂરી પગલાં લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારે વરસાદમાં તાત્કાલિક કાર્યવાહી માટે ટીમો સ્ટેન્ડ-બાય
ભારે વરસાદ, વાવાઝોડા અથવા અન્ય કુદરતી પરિસ્થિતિ દરમિયાન ઝાડ પડવા, રસ્તા ધસી જવા, મકાનો કે હોર્ડિંગ્સ ધરાશાયી થવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓના ઝડપી નિવારણ માટે ઝોનલ સ્તરે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની દેખરેખ હેઠળ એન્જિનિયરિંગ, એસ્ટેટ, હેલ્થ અને ગાર્ડન વિભાગના કર્મચારીઓને જરૂરી સાધનો અને મશીનરી સાથે સ્ટેન્ડ-બાય રાખવામાં આવ્યા છે.
WhatsApp અને સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદ નોંધાવવાની સુવિધા
નાગરિકોની સુવિધા માટે AMCએ નવી પહેલ શરૂ કરી છે, જેના અંતર્ગત હવે શહેરીજનો મુખ્ય કંટ્રોલરૂમ તેમજ ઝોનલ કંટ્રોલરૂમમાં WhatsApp અને સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ નોંધાવી શકશે. તમામ ફરિયાદોનું ઓનલાઈન રજિસ્ટર મોડ્યુલ દ્વારા મોનીટરિંગ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેના તાત્કાલિક નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવશે. AMCની આ પહેલથી ચોમાસા દરમિયાન નાગરિકોને ઝડપી પ્રતિસાદ અને અસરકારક સેવા મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
