સાયલાના ગુંદીયાવડા ગામે સરકારી જમીન પર ચાલતી ખનીજ ચોરીનો પર્દાફાશ; 3 એક્સવેટર અને 4 ડમ્પર કબજે

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદીયાવડા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે ખનન સામે રાજકોટ રેન્જની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરકારી જમીન પર મંજૂરી વિના ચાલી રહેલી ખનીજ ચોરીનો પર્દાફાશ કરતાં ટીમે અંદાજે ₹2.50 કરોડના મુદ્દામાલ સાથે 7 ભારે વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
સરકારી જમીનમાં ધમધમતું હતું ગેરકાયદે ખનન
મળતી માહિતી મુજબ, ગુંદીયાવડા ગામની સીમમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર મોટા પાયે ખનીજનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ પાછળ ગબરુ મોગલ નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રેન્જની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડી સમગ્ર કૌભાંડનો ભંડાફોડ કર્યો હતો.
3 એક્સવેટર અને 4 ડમ્પર કબજે
દરોડા દરમિયાન સ્થળ પરથી 3 એક્સવેટર અને 4 ડમ્પર સહિત કુલ 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તમામ વાહનો અને મશીનરીની કિંમત અંદાજે ₹2.50 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે. કાર્યવાહી બાદ તમામ વાહનોને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર કેસની વધુ તપાસ હવે ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.
સ્થાનિક તંત્રની કામગીરી સામે પ્રશ્નો
આ સમગ્ર ઘટનાએ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સરકારી જમીન પર આટલા મોટા પાયે એક્સવેટર અને ડમ્પરો સાથે ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું, ત્યારે સ્થાનિક પોલીસ, મામલતદાર કચેરી અને ખાણ-ખનીજ વિભાગને તેની જાણ કેમ ન થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે. બહારથી આવેલી ટીમે દરોડો પાડી કાર્યવાહી કરવી પડી તે પણ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વધુ કડક કાર્યવાહી માટે તજવીજ
રાજકોટ રેન્જની આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે. વિભાગ દ્વારા લીઝધારકો તેમજ ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં વધુ તપાસ બાદ અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
