ICC બોર્ડની બેઠકમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય: 14 ટીમોના વનડે વર્લ્ડ કપમાં હવે રમાશે ‘સુપર સિરીઝ’ અને ‘સુપર 7’, જ્યારે T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી લેશે ‘સુપર 10’ અને ‘એલિમિનેટર’ રાઉન્ડ.
એડિનબર્ગ:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એડિનબર્ગમાં યોજાયેલી તેની વાર્ષિક બેઠકમાં ક્રિકેટના રોમાંચ અને સ્પર્ધાત્મકતાને આગલા સ્તરે લઈ જવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ICC બોર્ડે પુરુષોની માર્કી ઇવેન્ટ્સ એટલે કે વનડે ક્રિકેટ વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરમૂળથી ફેરફાર કરવાની મંજૂરી આપી દીધી છે.
ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની ભલામણોના આધારે લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મેચોને વધુ અર્થપૂર્ણ બનાવવાનો, નાની (એસોસિએટ) ટીમોને મોટું મંચ આપવાનો અને ચાહકોને શરૂઆતથી જ રોમાંચક મુકાબલા પીરસવાનો છે.
I. ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ (ODI): હવે રમાશે ‘સુપર 7’ રાઉન્ડ
૧૪ ટીમોના આગામી વનડે વર્લ્ડ કપને વધુ રસપ્રદ બનાવવા માટે હવે ત્રણ તબક્કા (રાઉન્ડ) નું નવું ફોર્મેટ તૈયાર કરાયું છે.
- રાઉન્ડ ૧ (સુપર સિરીઝ): ટુર્નામેન્ટની શરૂઆતમાં જ પરિણામનો રોમાંચ વધારવા માટે સૌથી નીચેની ૩ ટીમો (૧૨, ૧૩ અને ૧૪મા ક્રમની) વચ્ચે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં ‘સુપર સિરીઝ’ રમાશે. આમાંથી ટોચની માત્ર એક જ ટીમ રાઉન્ડ ૨ માં આગળ વધશે.
- રાઉન્ડ ૨ (ગ્રુપ સ્ટેજ): આ રાઉન્ડમાં ૬-૬ ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવશે (કુલ ૩૦ મેચ). દરેક ગ્રુપમાંથી ટોચની ૩-૩ ટીમો અને બંને ગ્રુપમાં થઈને ત્યારપછીની એક સર્વશ્રેષ્ઠ ટીમ એમ કુલ ૭ ટીમો આગલા રાઉન્ડમાં જશે.
- રાઉન્ડ ૩ (સુપર 7): આ ટુર્નામેન્ટનું સૌથી આકર્ષક પાસું છે. ક્વોલિફાય થયેલી ૭ ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં કુલ ૨૧ મેચો રમાશે. આ ‘સુપર 7’ માંથી ટોચની ૪ ટીમો સીધી સેમિફાઇનલમાં (૧ વિરુદ્ધ ૪ અને ૨ વિરુદ્ધ ૩) પ્રવેશ કરશે.
જૂનું ફોર્મેટ વિરુદ્ધ નવું ફોર્મેટ: પહેલા ૭-૭ ટીમોના બે ગ્રુપ બાદ ટોચની ટીમો ‘સુપર સિક્સ’ માં જતી હતી, જેની જગ્યાએ હવે ‘સુપર સિરીઝ’, ‘ગ્રુપ સ્ટેજ’ અને ‘સુપર 7’ નું નવું ત્રિ-સ્તરીય માળખું અમલી બનશે.
II. ICC મેન્સ T20 વર્લ્ડ કપ: હવે ‘સુપર 8’ નહિ, ‘સુપર 10’ નો જંગ જામશે
૨૦૨૬ ના T20 વર્લ્ડ કપમાં ઉભરતી ટીમોના શાનદાર પ્રદર્શનથી પ્રેરિત થઈને ICC એ આગામી ૨૦ ટીમોની આ ટૂર્નામેન્ટમાં બીજા તબક્કાને વધુ વ્યાપક બનાવ્યો છે.
- ગ્રુપ સ્ટેજ: હવે ૫ ટીમોના ૪ ગ્રુપને બદલે ૪ ટીમોના ૫ ગ્રુપ બનાવવામાં આવશે (કુલ ૩૦ મેચ). દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો આગળ વધશે.
- સુપર ૧૦ (Super 10): આગળ વધેલી ૧૦ ટીમોને ૫-૫ ના બે જૂથોમાં વહેંચવામાં આવશે (કુલ ૨૦ મેચ). આ સ્ટેજમાં હવે નાની ટીમોનું પ્રતિનિધિત્વ વધશે.
- નવો ‘એલિમિનેટર’ રાઉન્ડ: સુપર ૧૦ ના બંને ગ્રુપમાં જે ટીમ ટોચ પર રહેશે તે સીધી સેમિફાઇનલની ટિકિટ મેળવશે. જ્યારે બંને ગ્રુપમાં બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે ‘એલિમિનેટર’ મેચો રમાશે, જે સેમિફાઇનલની બાકીની બે ટીમો નક્કી કરશે. આ ફેરફારથી ટુર્નામેન્ટના અંત સુધી રોમાંચ જળવાઈ રહેશે.
III. T20 વર્લ્ડ કપ 2028 માટે લાયકાતનું નવું માળખું
ICC એ ૨૦૨૮ ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન પ્રક્રિયા પણ સ્પષ્ટ કરી છે. અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને સ્કોટલેન્ડ સીધું યુરોપ પ્રાદેશિક ફાઇનલમાં પ્રવેશ કરશે. ૨૦૨૬ ના વર્લ્ડ કપમાં ભાગ લેનાર પરંતુ ઓટોમેટિક ક્વોલિફાય ન થઈ શકેલી ટીમો સીધી ‘ગ્લોબલ ક્વોલિફાયર’ રમશે.
ગ્લોબલ ક્વોલિફાયરના બાકીના ૮ સ્થાનો પ્રાદેશિક લાયકાત (આફ્રિકા, એશિયા, યુરોપમાંથી ૨-૨ અને અમેરિકા, પૂર્વ એશિયા-પેસિફિકમાંથી ૧-૧ ટીમ) દ્વારા ભરાશે. આ ઉપરાંત, એસોસિયેટ દેશોના વિકાસ માટે એક નવી ૧૬-ટીમની ગ્લોબલ માર્કી ટુર્નામેન્ટનો પણ પ્રસ્તાવ મુકાયો છે, જેને નવેમ્બરમાં ફાઇનાન્સ કમિટીની સમીક્ષા બાદ આખરી મંજૂરી મળશે.
