શ્રીલંકા સામે નંબર-3 પર દેવદત્ત પડિક્કલની એન્ટ્રી, ટેસ્ટમાં આ સ્થાનનો અનુભવનો મોટો ફાયદો મળી શકે છે

Spread the love

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી, શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગથી દાવો મજબૂત કર્યો

નવી દિલ્હી:

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થતાં હવે દેવદત્ત પડિક્કલને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની જવાબદારી મળવાની સંભાવના છે. ખાસ વાત એ છે કે પડિક્કલ અગાઉ પણ ભારત માટે ટેસ્ટમાં નંબર-3 પર બેટિંગ કરી ચૂક્યા છે. શ્રીલંકા-11 સામેની પ્રેક્ટિસ મેચમાં 142 રનની અણનમ શાનદાર ઈનિંગ રમીને તેમણે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે નંબર-3 પર રમ્યો પડિક્કલ

દેવદત્ત પડિક્કલે ભારત માટે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ રમી છે. તેમણે 2024માં ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેમણે 65 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

ત્યારબાદ 2024માં જ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં તેમને તક મળી હતી. આ મેચની બંને ઈનિંગમાં પડિક્કલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં તેઓ 23 બોલમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયા હતા. બીજી ઈનિંગમાં તેમણે 71 બોલનો સામનો કરીને 25 રન બનાવ્યા હતા.

તે સમયે ભારતીય ટીમમાં શુભમન ગિલ સામાન્ય રીતે નંબર-3 પર બેટિંગ કરતા હતા. પરંતુ ઈજાના કારણે ગિલ પર્થ ટેસ્ટમાં રમી શક્યા નહોતા અને પડિક્કલને ત્રીજા નંબરની જવાબદારી સોંપવામાં આવી હતી.

શ્રીલંકા-11 સામે 142 રનની અણનમ ઈનિંગ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં પડિક્કલે પોતાની બેટિંગનો સારો નમૂનો રજૂ કર્યો છે. શ્રીલંકા-11 સામેની પ્રેક્ટિસ મેચમાં તેમણે ત્રીજા નંબર પર બેટિંગ કરતાં 142 રનની અણનમ ઈનિંગ રમી હતી.

આ શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમના મેનેજમેન્ટનો તેમના પરનો વિશ્વાસ વધ્યો છે. સાઈ સુદર્શનની ગેરહાજરીમાં પડિક્કલને નંબર-3 પર રમાડવાનો નિર્ણય ટીમ માટે મહત્વપૂર્ણ બની શકે છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ મજબૂત રેકોર્ડ

પડિક્કલનો સ્થાનિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રેકોર્ડ પણ પ્રભાવશાળી છે. કર્ણાટક માટે રમતા પડિક્કલે અત્યાર સુધી 56 ફર્સ્ટ ક્લાસ મેચમાં 93 ઈનિંગ દરમિયાન 43.18ની સરેરાશથી 3,800 રન બનાવ્યા છે. તેમના નામે 21 અડધી સદી અને 9 સદી નોંધાયેલી છે.

રણજી ટ્રોફી 2025-26માં પણ પડિક્કલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે 6 મેચમાં 543 રન બનાવ્યા હતા. ઉત્તરાખંડ સામેની સેમિફાઇનલમાં તેમણે 232 રનની વિશાળ ઈનિંગ રમીને કર્ણાટકને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં પણ તેઓ ત્રીજા નંબર પર જ બેટિંગ કરવા ઉતર્યા હતા.

નંબર-3 પર પડિક્કલ પાસેથી મોટી અપેક્ષા

ભારત માટે ટેસ્ટમાં પડિક્કલનો અનુભવ હજુ ઓછો છે, પરંતુ નંબર-3 પર બેટિંગ કરવાનો અનુભવ તેમની પાસે છે. સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લાંબી ઈનિંગ રમવાની તેમની ક્ષમતા અને શ્રીલંકા-11 સામેની 142 રનની ઈનિંગને જોતા ભારતીય ટીમને તેમની પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે. હવે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં પડિક્કલ આ તકને કેવી રીતે ભજવે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *