ડૉ. બી.સી. રોય ટ્રોફી: ગુજરાતની જુનિયર ફૂટબોલ ટીમનો સંઘર્ષપૂર્ણ પ્રારંભ, સબ-જૂનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે શાનદાર આરંભ

Spread the love

ગાંધીનગર

ઓલ ઈન્ડિયા ફૂટબાલ ફેડરેશન (AIFF) દ્વારા છત્તીસગઢના નારાયણપુર ખાતે આયોજિત જૂનિયર બોયઝ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ (ડૉ. બી.સી. રોય ટ્રોફી 2026-27) ટાયર II ની મેચો રમાઈ રહી છે. જેમાં ગુજરાતની જુનિયર ફૂટબોલ ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં શાનદાર રમત પ્રદર્શિત કરવા છતાં અંતિમ ક્ષણોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા ગાંધીનગર ખાતે સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 નો પણ ભવ્ય પ્રારંભ થયો છે.

ડૉ. બી.સી. રોય ટ્રોફી: એસ.એ.આઈ. સામે ગુજરાતની હાર

ટાયર II ની ૧૬ ટીમોને એ થી ડી (A થી D) એમ કુલ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગુજરાતની ટીમ ગ્રુપ ‘ડી’ (D) માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), જમ્મુ અને કશ્મીર અને મધ્ય પ્રદેશ સાથે સામેલ છે.

આજ રોજ રમાયેલા પ્રથમ મુકાબલામાં ગુજરાતનો મુકાબલો મજબૂત ગણાતી SAI ટીમ સામે હતો. મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દાખવી હતી. પહેલા હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. બીજા હાફમાં પણ અનેક મોકા મળ્યા પરંતુ સ્કોર બોર્ડ કોરું રહ્યું હતું.

મેચના એડ-ઓન ટાઈમ (૯૦+૩ મિનિટ) દરમિયાન SAI ના ખેલાડી જર્સી નંબર ૧૦ યીરંફેઉ રીંગડીએ લેફ્ટ વિંગમાંથી શાનદાર ગોલ કરીને ટીમને ૧-૦ ની લીડ અપાવી હતી. ત્યારબાદ મેચની છેલ્લી સેકન્ડે અંસુલા નરજારીએ બીજો ગોલ કરીને સ્કોર ૨-૦ કરી નાખ્યો હતો. ગુજરાતની ટીમે અંત સુધી મજબૂત લડત આપી હતી પરંતુ હાર ટાળી શકી ન હતી.

  • આગામી મેચો:
    • ૨૮ ઓગસ્ટ ૨૦૨૬: ગુજરાત વિરુદ્ધ જમ્મુ અને કશ્મીર
    • ૩૦ ઓગસ્ટ ૨૦૨૬: ગુજરાત વિરુદ્ધ મધ્ય પ્રદેશ
  • ગુજરાત ટીમ : રાજન રૈયાણી, દેવેન્દ્ર કુમાર રાઠવા, રૂદાતલા અમન, વેદાંત ભટ્ટ, અનિકેતકુમાર સિંગ, જોએલ, વિવેન પટેલ, સચિત પારેખ, પ્રસન્ન ધોળકિયા, નાયક પર્વ, વિહાન વાઘેલા, પટેલ કુંજ, કેવિન શાહ, રુદ્ર ઓઝા, આધ્ય પટેલ, ઐશન પટેલ, દેવ, આર્યવિરસિંહ જંકાર, સિંગમયૂમ કિમત અને અનિકેત ગુપ્તા.
  • સહાયક સ્ટાફ: મેનેજર આદિત્ય પીપરિયા, હેડ કોચ વમન રોહિદાસ ચારી અને ફિઝિયો દર્શિલ પંચાલ.

ગાંધીનગર ખાતે સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 નો આજ રોજ ગાંધીનગર ખાતે શાનદાર પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરના ૨૧ જિલ્લાઓની ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે.

આજ રોજ (૨૬.૦૮.૨૦૨૬) રમાયેલા રોમાંચક મુકાબલાઓમાં કચ્છે પંચમહાલને, બરોડાએ ગાંધીનગરને, ભાવનાગરે જૂનાગઢને અને અમદાવાદે મહેસાણાની ટીમને પરાજય આપ્યો હતો.

  • આવતીકાલના મેચો:
    • પંચમહાલ વિરુદ્ધ બનાસકાંઠા
    • ગાંધીનગર વિરુદ્ધ ભરૂચ
    • ભાવનગર વિરુદ્ધ સુરેન્દ્રનગર
    • અમદાવાદ વિરુદ્ધ તાપી

દરેક ગ્રુપમાંથી પ્રથમ ક્રમે રહેલી ટીમો અને તમામ ગ્રુપમાંથી એક શ્રેષ્ઠ બીજા ક્રમની ટીમ (Second Best) વચ્ચે ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા રમાશે. આ ટુર્નામેન્ટની ભવ્ય ફાઇનલ મેચ ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ રમાશે. ખાસ ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાંથી જ ગુજરાતની નેશનલ ટીમ માટેના ખેલાડીઓની પસંદગી (સિલેક્શન) પણ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *