પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયા
જામળા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારથનું પ્રયાણ અને ૫૫૧ દેશી વૃક્ષોનું રોપણ
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આસુદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી હતી. મંદિર પરિસરમાં ૩૦૦થી વધુ બીલીના છોડ તેમજ આંબો, લીમડો અને આસોપાલવ જેવા કુલ ૫૫૧ દેશી કુળના વૃક્ષોનું સન્માનપૂર્વક રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ નાગરિકોને પર્યાવરણના જતનમાં સહભાગી બનવા હાર્દિક અપીલ કરી હતી.
પ્રકૃતિ પૂજન અને પ્રાચીન ભારતીય પરંપરા
કનૈયાલાલ મુનશી જેવા તત્વચિંતકો અને આપણા ઋષિમુનિઓએ આપણને પ્રકૃતિ પૂજનની અમૂલ્ય ભેટ આપી છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રની ભૂમિ પર પીપળાના વૃક્ષને પોતાનું સ્વરૂપ ગણાવીને ૫૦૦૦ વર્ષ પહેલાં જ વનસ્પતિમાં પણ જીવ હોવાનો પવિત્ર સંકેત આપ્યો હતો. વાયુ, જળ અને પૃથ્વીને આપણા શાસ્ત્રોમાં દેવ અને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી પ્રદૂષણ અટકાવવું આપણી નૈતિક ફરજ છે.
ભેળસેળિયાઓ અને પ્રદૂષણ સામે કડક કાર્યવાહીની ચેતવણી
આરોગ્ય વિભાગ દ્વારા જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. બનાવટી ઘી, માવો અને કેમિકલયુક્ત સોસ જેવા પદાર્થો વેચતા ભેળસેળિયાઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આવા તત્વોને જરાય બક્ષવામાં નહીં આવે અને નાગરિકોને બહારનું અશુદ્ધ ખાવા-પીવાનું છોડીને પૌષ્ટિક આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.
હરિયાળા ગુજરાત માટે સામૂહિક સંકલ્પ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોની મંત્રીએ સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતને હરિયાળું અને સ્વસ્થ બનાવવા સૌને એકજૂથ થઈ કાર્ય કરવા પ્રેરણા અપાઈ હતી.
કાર્યક્રમમાં માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે જન્મ કે લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવવાનો સુંદર વિચાર રજૂ કર્યો હતો. ગાંધીનગર જિલ્લા નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે, DDO દિગંત બ્રહ્મભટ્ટ સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
