પશુચિકિત્સા ક્ષમતાનો વિસ્તાર, જરૂરિયાતમંદ હાથીઓને આજીવન સંભાળ અને લાઓસના જંગલી હાથીઓના રક્ષણ માટે ભાગીદારી
લુઆંગ પ્રભાંગ, લાઓસ:
લાઓસમાં હાથીઓની સ્થિતિ સુધારવા અને તેમના સંરક્ષણ માટે મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશન અને ગુજરાત, ભારત સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા ‘વંતારા’ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી દ્વારા લાઓસમાં હાથીઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ, પશુચિકિત્સા સારવાર અને સંરક્ષણ કાર્યને વેગ મળશે.
લાઓસના હાથીઓની વર્તમાન સ્થિતિ અને પડકારો
લાઓસ, જે એક સમયે “લાખો હાથીઓની ભૂમિ” તરીકે ઓળખાતું હતું, ત્યાં હવે અંદાજે 400 જંગલી હાથીઓ અને 400થી વધુ પાલતુ હાથીઓ બચ્યા છે. આ બંને વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જંગલી હાથીઓ નિવાસસ્થાનના વિનાશ, માનવ-હાથી વચ્ચેના સંઘર્ષ અને શિકારનો સામનો કરી રહ્યા છે. જ્યારે કેદમાં રહેલા ઘણા હાથીઓ હજુ પણ લાકડા કાપવાના કામ અને પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા છે, જ્યાં તેમને વિશેષ પશુચિકિત્સા સારવાર પૂરતા પ્રમાણમાં મળતી નથી. એવું અનુમાન છે કે લાઓસમાં દર વર્ષે જન્મેલા દરેક એક કે બે હાથીની સામે આશરે 10 હાથીઓના મોત થાય છે.
હાથીઓ માટે રાષ્ટ્રીય કટોકટી પ્રતિસાદ ટીમ (રેપિડ રિસ્પોન્સ ટીમ)
આ પહેલના પ્રથમ પગલા રૂપે, લાઓસ સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લુઆંગ પ્રભાંગ ખાતે ‘એલિફન્ટ રેપિડ રિસ્પોન્સ ટીમ’ શરૂ કરવામાં આવી છે. વંતારા દ્વારા એક અત્યાધુનિક મોબાઇલ એલિફન્ટ વેટરનરી યુનિટ પૂરું પાડવામાં આવ્યું છે, જે લાઓસભરમાં બીમાર અને ઘાયલ જંગલી તેમજ પાલતુ હાથીઓની સારવાર માટે તાત્કાલિક પહોંચી શકશે. આ સહયોગ દ્વારા કટોકટીની સારવાર, લાંબા ગાળાની સંભાળ અને પુનર્વસન માટે એક વિશેષ હોસ્પિટલ પણ સ્થાપવામાં આવશે.
‘મે ખામનોય’ માટે એક નવી શરૂઆત
આ કાર્યક્રમના પ્રારંભ સાથે જ 43 વર્ષીય માદા હાથી ‘મે ખામનોય’ ને બચાવી લેવામાં આવી છે. તેણે પોતાના જીવનના વર્ષો લાકડા કાપવાના કામમાં વિતાવ્યા હતા અને આ દરમિયાન તેણે બે બચ્ચા પણ ગુમાવ્યા હતા. તાજેતરમાં તેને વિયાનતી ખાતે એક વ્યસ્ત રસ્તા પાસે એકાંતમાં રાખવામાં આવી હતી, જ્યાં પ્રવાસીઓ તેની સવારી કરતા અને તેની પાસે કરતબો કરાવતા હતા. હવે મે ખામનોય મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશન ખાતે નિવૃત્તિ જીવન વિતાવશે, જ્યાં તેને યોગ્ય પોષણ, પશુચિકિત્સા સારવાર અને અન્ય હાથીઓ સાથે હળવામળવાની તક મળશે.
પશુચિકિત્સા અને સ્થાનિક ક્ષમતાનું નિર્માણ
આ અભિયાનના ભાગરૂપે, વંતારા અને મંડલાઓની પશુચિકિત્સા ટીમોએ 12 રહેવાસી હાથીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સંભાળ રાખનારાઓ અને પશુચિકિત્સકોને હાથીઓની સંભાળ, પોષણ અને નિવારક સ્વાસ્થ્ય સેવાઓ અંગે તાલીમ આપવામાં આવશે, જેથી લાઓસમાં લાંબા ગાળાની ક્ષમતા વિકસી શકે.
મંડલાઓ એલિફન્ટ કન્ઝર્વેશનના એલિફન્ટ વેટરનરી સ્પેશિયાલિસ્ટ ડૉ. ટિમ બુટ્સે જણાવ્યું હતું કે, “આ રેપિડ રિસ્પોન્સ ટીમની સ્થાપના લાઓસમાં હાથીઓની સારવાર માટે એક મોટું પગલું છે. અમે હાથીઓના માલિકો અને સરકારી વિભાગોને આ સેવા મફતમાં પૂરી પાડવા માટે ગર્વ અનુભવીએ છીએ.”
જંગલી હાથીઓનું રક્ષણ
માનવ સંભાળ હેઠળના હાથીઓ ઉપરાંત, આ ભાગીદારી લાઓસની જંગલી હાથીઓની વસ્તીને પુનઃજીવિત કરવા અને તેમની આનુવંશિક વિવિધતાને સુરક્ષિત કરવા માટે ક્ષેત્ર-આધારિત લાંબા ગાળાના ઉકેલો વિકસાવશે. આમાં વસ્તી પુનઃપ્રાપ્તિ, નિવાસસ્થાન વ્યવસ્થાપન, સમુદાયની ભાગીદારી અને માનવ-હાથી સંઘર્ષ તથા શિકારને અટકાવવાના ઉપાયોનો સમાવેશ થશે.
વંતારાના કોમ્પ્લાયન્સ એન્ડ ડ્યુ ડિલજન્સના સ્પેશિયલ ડિરેક્ટર અજીત કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “અમે લાઓસના હાથીઓને ટેકો આપવા માટે મંડલાઓ સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ. પશુચિકિત્સા સંભાળ અને સ્થાનિક કુશળતામાં રોકાણ દ્વારા, અમે દેશના હાથીઓના ભવિષ્ય માટે કાયમી યોગદાન આપવાની આશા રાખીએ છીએ.”
