“નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત” : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા
“મહેનત, હિંમત અને આત્મવિશ્વાસથી કરવામાં આવતું દરેક કામ ગૌરવપૂર્ણ છે” : મંત્રીશ્રી
રાજપીપળા
એકતાનગર ખાતે નારી શક્તિના આત્મનિર્ભરતા તરફના સંકલ્પ અને સાહસને પ્રોત્સાહન આપતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રીનિમુબેન બાંભણીયાએ પિંક ઈ-રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહેલી મહિલા ચાલક બહેનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે બહેનોના અનુભવો, રોજગારી તથા પરિવારના જીવનમાં આવેલા પરિવર્તન અંગે રસપૂર્વક જાણકારી મેળવી હતી.
નારી સશક્તિકરણથી સમાજ અને દેશની પ્રગતિ
આ પ્રસંગે મંત્રીએ મહિલાઓના આત્મનિર્ભરતા તરફના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “નારી સશક્ત તો સમાજ સશક્ત અને સમાજ સશક્ત તો દેશ સશક્ત.” મહિલાઓ જ્યારે પોતે પગભર બની પરિવારની જવાબદારી નિભાવે છે ત્યારે તેઓ માત્ર પોતાના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને નવી દિશા આપે છે.
દરેક કામ મહેનત અને આત્મવિશ્વાસથી ગૌરવપૂર્ણ
પિંક ઈ-રિક્ષા ચલાવતી બહેનોને પ્રોત્સાહિત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ કામ નાનું હોતું નથી. જીવનમાં કરવામાં આવતું દરેક કામ મહેનત, હિંમત અને આત્મવિશ્વાસ સાથે કરવામાં આવે તો તે ગૌરવપૂર્ણ બની જાય છે. દરેક વ્યક્તિએ પોતાના કામને શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
પિંક ઈ-રિક્ષા બન્યું પ્રેરણાનું મોડલ
મંત્રીએ જણાવ્યું હતું કે હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધતી મહિલાઓની સમાજમાં નોંધ લેવાય છે. આજે દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો એકતાનગર ખાતે પિંક ઈ-રિક્ષાના આ મોડલનો અભ્યાસ કરવા આવી રહ્યા છે, જે આ પહેલની સફળતા અને તેની પ્રેરણાદાયી અસર દર્શાવે છે.
બાળકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે માતાઓ
પિંક ઈ-રિક્ષા ચલાવી રોજગારી મેળવતી બહેનોને સંબોધતાં તેમણે કહ્યું કે રિક્ષા ચલાવવું માત્ર રોજગાર નથી, પરંતુ બાળકો માટે પણ મોટી પ્રેરણા છે. માતાને મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જોઈને બાળકોમાં પણ જીવનમાં આગળ વધવાની અને કંઈક બનવાની પ્રેરણા જન્મે છે.
મહેનતની કમાણીથી આત્મવિશ્વાસ અને સ્વાભિમાન
મંત્રીએ જણાવ્યું હતું કે મહેનતથી મેળવેલી કમાણીનું પોતાનું વિશેષ ગૌરવ હોય છે. પરિશ્રમથી ઘરમાં આવક આવે ત્યારે પરિવાર આર્થિક રીતે મજબૂત બને છે અને મહિલાઓમાં આત્મવિશ્વાસ તથા સ્વાભિમાન પણ વધે છે. તેમણે પિંક ઈ-રિક્ષા ચલાવતી બહેનોના સંઘર્ષ અને હિંમતમાંથી પોતે પણ પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું હતું.
વધુ મહિલાઓને જોડવા અપીલ
મંત્રીએ આવી રોજગારીની તકો સાથે વધુમાં વધુ બહેનોને જોડવા અપીલ કરી હતી. પિંક ઈ-રિક્ષા જેવી પહેલ મહિલાઓને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. તેમણે જોડાયેલી બહેનોને અન્ય મહિલાઓને પણ આ પહેલ સાથે જોડવા અને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. આવા નાના-નાના પગલાંથી દેશની પ્રગતિને વેગ મળે છે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વપૂર્ણ બને છે.
૯૦ જેટલી બહેનો પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ સાથે જોડાયેલી
એકતાનગરમાં પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ મહિલાઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી મોડલ બની રહ્યો છે. હાલમાં આશરે ૯૦ બહેનો પિંક ઈ-રિક્ષા પ્રોજેક્ટ સાથે જોડાઈ રોજગાર મેળવી રહી છે. જ્યારે અગાઉ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી આશરે ૩૫ બહેનોએ પોતાની પિંક ઈ-રિક્ષા ખરીદી સ્વરોજગાર મેળવ્યો છે. આ પ્રોજેક્ટથી મહિલાઓને રોજગારીની તક મળવાની સાથે પરિવારની આવકમાં વધારો થયો છે અને મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન તથા સામાજિક સશક્તિકરણની ભાવના વધુ મજબૂત બની છે.
અધિકારીઓની ઉપસ્થિતિ
એકતા નર્સરી ખાતે યોજાયેલા આ સંવાદ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
