રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ : એકતાનગરમાં સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

Spread the love

નાગરિકો પણ રાષ્ટ્રીય એકતા પરેડમાં બની શકશે સહભાગી, નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ખાસ વેબસાઈટ લોન્ચ

એકતાનગર

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.

દેશભરના જવાનો અને કલાકારોની ભવ્ય પરેડ

આ વર્ષની રાષ્ટ્રીય એકતા પરેડને વિશાળ ફલક પર યોજવામાં આવી રહી છે. પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે ૧૦,૦૦૦ જવાનો, વિવિધ રાજ્યોના પોલીસ દળો, આશરે ૪,૭૦૦ કલાકારો તથા વિવિધ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને ‘વિવિધતામાં એકતા’ના રંગોનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે.

ફ્લાયપાસ્ટ અને દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ બનશે આકર્ષણ

રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા શાનદાર ફ્લાયપાસ્ટ કરવામાં આવશે. વિવિધ બેન્ડ દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન પણ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે. સમગ્ર ઉજવણીમાં ભારતની એકતા, શક્તિ, અખંડિતતા અને સાંસ્કૃતિક વૈવિધ્યનો ભવ્ય સંદેશ આપવામાં આવશે.

નાગરિકો માટે નિઃશુલ્ક રજિસ્ટ્રેશન

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય નાગરિકોને રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાની તક આપવામાં આવી છે. આ માટે www.rashtriyaektadiwas.com વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે.

નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ નોંધાયેલા ઈ-મેઈલ સરનામે કન્ફર્મેશન અથવા એન્ટ્રી પાસ મોકલવામાં આવશે. પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે કરવામાં આવશે.

નક્કી કરાયેલા રૂટ પરથી પસાર થશે પરેડ

પ્રસ્તાવિત કાર્યક્રમ મુજબ રાષ્ટ્રીય એકતા પરેડનો પ્રારંભ નર્મદા માતાની પ્રતિમા પાસેથી થશે અને રેપ્લિકા ગાર્ડન, એસઆરપી કોલોની નજીક પરેડ પૂર્ણ થશે. પરેડ દરમિયાન દેશના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક ઓળખ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ એકસાથે રજૂ કરવામાં આવશે.

‘ડોમ સિટી’માં પ્રવાસીઓ માટે રહેણાક વ્યવસ્થા

રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ ઉપરાંત તા. ૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન એકતાનગર ખાતે ‘ભારત પર્વ–૨૦૨૬’નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવનારા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા એકતાનગર ખાતે વિશેષ ‘ડોમ સિટી’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રહેણાક સુવિધા તા. ૨૯ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે. ઉપલબ્ધતા મુજબ પ્રવાસીઓ વિવિધ રહેણાક વિકલ્પોનું બુકિંગ કરાવી શકશે.

નાગરિકોને ઐતિહાસિક પ્રસંગમાં જોડાવા અપીલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી સૌ માટે ગૌરવપૂર્ણ પ્રસંગ છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવા માટે નાગરિકોને રાષ્ટ્રીય એકતા પરેડમાં સહભાગી થવાની તક આપવામાં આવી છે. તેમણે તમામ નાગરિકોને નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગમાં જોડાવા અપીલ કરી છે.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનો સંદેશ

એકતાનગર ખાતે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ની ઉજવણી ભારતની એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, શક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક બનશે. આ ભવ્ય રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બની દેશની એકતા અને અખંડિતતાના આદર્શોને વધુ મજબૂત બનાવવા નાગરિકોને એકતાનગર ખાતે જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *