બે તબક્કાની ફાઇનલમાં 7-5થી જીત; FYERS American Gambitsે CheQ Mumba Mastersને હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું
બેંગલુરુ
ગ્લોબલ ચેસ લીગ (GCL)ની ચોથી સિઝનમાં ગંગા ગ્રાન્ડમાસ્ટર્સે શાનદાર પ્રદર્શન કરતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersને હરાવીને પ્રથમ વખત GCLનો ખિતાબ પોતાના નામે કર્યો છે. Tech Mahindra અને FIDEની સંયુક્ત પહેલ એવા GCLના બે તબક્કાના ફાઇનલમાં ગંગા ગ્રાન્ડમાસ્ટર્સે 7-5થી વિજય મેળવ્યો. જ્યારે FYERS American Gambitsે CheQ Mumba Mastersને 7.5-4.5થી હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું.
પ્રથમ તબક્કો ડ્રો, બીજા તબક્કામાં ગંગા ગ્રાન્ડમાસ્ટર્સનો દબદબો
ફાઇનલનો પ્રથમ તબક્કો 3-3થી ડ્રો રહ્યો હતો. જોકે બીજા તબક્કામાં ગંગા ગ્રાન્ડમાસ્ટર્સે નિર્ણાયક પ્રદર્શન કરીને ખિતાબ પર કબજો કર્યો. વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસેને 28મી ચાલે કરેલી પોઝિશનલ ભૂલનો ઇયાન નેપોમ્નિયાચ્ચીએ ભરપૂર લાભ લીધો અને કાર્લસનને વાપસીની કોઈ તક આપી નહોતી.
ત્યારબાદ સ્ટાવરુલા ત્સોલાકિદૂએ કોનેરુ હમ્પીને હરાવી ગંગા ગ્રાન્ડમાસ્ટર્સની જીત સુનિશ્ચિત કરી હતી. ત્સોલાકિદૂને ફાઇનલની Player of the Match જાહેર કરવામાં આવી હતી અને તેમને Jawa બાઇક પણ ઇનામરૂપે આપવામાં આવી હતી.
લેવોન એરોનિયનના શાનદાર પ્રદર્શનથી શરૂઆત
ફાઇનલના પ્રથમ મુકાબલામાં ગંગા ગ્રાન્ડમાસ્ટર્સને શરૂઆતથી જ લિવોન એરોનિયનના શાનદાર પ્રદર્શનથી લાભ મળ્યો હતો. એરોનિયને અનિશ ગિરી સામે રમત પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને 49 ચાલ બાદ ગિરી સમય પૂરો થતાં હારી ગયા હતા.
અન્ય તમામ બોર્ડ પર મુકાબલા ડ્રોમાં ગયા બાદ Alpine APL Pipers માટે વોલોદાર મુર્ઝિનને જીતવું જરૂરી બન્યું હતું. મુર્ઝિને દબાણ વચ્ચે શાનદાર રમત દાખવી અને લ્યુક લિયોન મેન્ડોન્કાને 49 ચાલ બાદ રાજીનામું આપવા મજબૂર કરી સ્કોર 3-3થી બરાબર કર્યો હતો.
નેપોમ્નિયાચ્ચીએ જીત બાદ જણાવ્યું હતું કે તેઓ કાળા મોહરાથી રમવા માટે તૈયાર હતા અને શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ અંતે મળેલી તકનો લાભ લઈ જીત મેળવી શક્યા. તેમણે ટીમને મળેલા સમર્થન અને ટીમ સ્પિરિટને પણ ખિતાબની ખાસિયત ગણાવી હતી.
ત્સોલાકિદૂ Player of the Tournament
સ્ટાવરુલા ત્સોલાકિદૂને સમગ્ર ટુર્નામેન્ટની Player of the Tournament જાહેર કરવામાં આવી હતી. તેમણે 12 રમતોમાં છ જીત અને ત્રણ ડ્રો સાથે કુલ 21.5 પોઇન્ટ મેળવ્યા હતા. બીજી તરફ CheQ Mumba Mastersની ડી. હરિકા સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનાર એકમાત્ર ખેલાડી રહી હતી. તેમણે 12 મેચમાં ચાર જીત અને આઠ ડ્રો સાથે 18.5 પોઇન્ટ મેળવ્યા હતા.
American Gambitsે ત્રીજું સ્થાન મેળવ્યું
ત્રીજા સ્થાન માટેના પ્લેઓફમાં FYERS American Gambitsે CheQ Mumba Mastersને 7.5-4.5થી હરાવ્યું. શનિવારે મળેલી હાર બાદ Gambitsે જોરદાર વાપસી કરતાં બંને મુકાબલા જીતી ત્રીજું સ્થાન મેળવ્યું.
નિહાલ સરિને બંને મેચમાં એમ. પ્રણેશને હરાવ્યો હતો, જ્યારે માર્ક’આન્દ્રિયા મૌરિઝીએ પણ બંને મુકાબલામાં જીત મેળવી હતી. પ્રથમ મેચમાં Gambitsે કાળા મોહરાથી રમતાં 3.5-2.5થી જીત મેળવી હતી. બીજી મેચમાં જાવોખિર સિંદારોવે મેક્સિમ વાશિયર-લાગ્રેવ સામે ડ્રો કર્યા બાદ નિહાલ અને મૌરિઝીએ ટીમની જીત નિશ્ચિત કરી હતી.
નિહાલ સરિનને Player of the Match જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શનિવારની હાર બાદ બંને મેચમાં જીત મેળવીને વાપસી કરવી તેમના માટે ખુશીની બાબત હતી.
