12 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ, 4ને સારવાર બાદ રજા; હાલ 8 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ, તમામની સ્થિતિ સ્થિર
સુરત
સુરતના અબ્રામા ખાતે આવેલી પી.પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં શનિવારે સાંજે જમ્યા બાદ વિદ્યાર્થીઓમાં પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદો સામે આવી હતી. હોસ્ટેલમાં રહેતા અંદાજે 2,200 વિદ્યાર્થીઓમાંથી કુલ 85 વિદ્યાર્થીઓને આવી તકલીફ થતાં હોસ્ટેલ સ્ટાફ દ્વારા તેમને પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાને પગલે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.
73 વિદ્યાર્થીઓને OPD સારવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, 85 વિદ્યાર્થીઓ પૈકી 73 વિદ્યાર્થીઓને સામાન્ય પ્રકારની ફરિયાદ હોવાથી તેમને હોસ્પિટલમાં OPD સારવાર આપવામાં આવી હતી. જ્યારે 12 વિદ્યાર્થીઓને વધુ સારવારની જરૂરિયાત જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાર્થીઓમાં 9 વિદ્યાર્થીનીઓ અને 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમની ઉંમર 15થી 17 વર્ષની વચ્ચે હોવાનું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની પ્રેસનોટમાં જણાવાયું છે.
4 વિદ્યાર્થીઓને સારવાર બાદ રજા
હોસ્પિટલમાં દાખલ 12 દર્દીઓમાંથી 4 વિદ્યાર્થીઓને સારવાર આપવામાં આવ્યા બાદ રવિવારે રજા આપવામાં આવી છે. હાલમાં 8 વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સારવાર હેઠળ રહેલા તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર છે.
મનપાની મોબાઇલ મેડિકલ ટીમ તૈનાત
ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકા દ્વારા મોબાઇલ મેડિકલ ટીમને પણ કામગીરીમાં જોડવામાં આવી છે. ટીમ દ્વારા હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની સારવાર અંગે હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ હોસ્ટેલમાં કોઈ અન્ય વિદ્યાર્થીને તકલીફ જણાય તો સ્થળ પર જ તબીબી સેવા મળી રહે તે માટે હોસ્ટેલ ખાતે OPD સેવા પણ શરૂ કરવામાં આવી છે.
હોસ્ટેલ કેન્ટીન અને કિચનની તપાસ
સુરત મહાનગરપાલિકાના ઝોનની સેનેટેશન ટીમ તથા ફૂડ વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલની કેન્ટીન અને કિચનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ખોરાક તેમજ ઉપયોગમાં લેવાતી ખાદ્યસામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જરૂરી એવા કુલ 6 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા છે.
ખોરાકની ગુણવત્તા અને હાઇજીનની ચકાસણી
મહાનગરપાલિકા દ્વારા સંસ્થાને બેદરકારી બદલ નોટિસ પણ આપવામાં આવી છે. તપાસ દરમિયાન ખાદ્યસામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીન સંબંધિત બાબતોની ચકાસણી કરવામાં આવી છે. ખાદ્ય નમૂનાઓના આધારે આગળની કાર્યવાહી અંગે પ્રેસનોટમાં કોઈ પરિણામ જણાવવામાં આવ્યું નથી.
વિદ્યાર્થીઓને તકલીફ જણાય તો તાત્કાલિક હોસ્પિટલ સંપર્કની સૂચના
આરોગ્ય વિભાગ દ્વારા સંસ્થાને તાકીદ કરવામાં આવી છે કે કોઈપણ વિદ્યાર્થીને ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો, તાવ અથવા અન્ય કોઈ તકલીફ જણાય તો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરાવવામાં આવે. ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ સાથે સંકલન અને હોસ્ટેલમાં OPD સેવા ચાલુ રાખવામાં આવી છે.
