નવી દિલ્હી
ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2027 ની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. IPL 2027 ની સિઝન પહેલા ખેલાડીઓની મિની ઓક્શન (હરાજી) યોજાવાની છે. લીગની છેલ્લી ત્રણ સિઝનના ઓક્શન વિદેશમાં યોજાયા હતા, પરંતુ હવે BCCI એ મોટો ફેરફાર કરીને IPL 2027 નું ઓક્શન ભારતમાં જ યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ‘ક્રિકબઝ’ ના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. બુધવારે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ અંગે સહમતિ સધાઈ છે.
યુએઈ અને સાઉદી અરેબિયામાં યોજાયા હતા છેલ્લા ઓક્શન
IPL 2023 માટે ખેલાડીઓની હરાજી કોચીમાં કરવામાં આવી હતી. ત્યારબાદ દુબઈ (યુએઈ), જેદ્દાહ (સાઉદી અરેબિયા) અને અબુધાબી (યુએઈ) માં સતત ત્રણ સિઝન માટે ઓક્શનનું વિદેશી ધરતી પર સફળ આયોજન થયું હતું. હવે આ પરંપરા બદલીને BCCI એ ઓક્શન ફરીથી ભારતમાં લાવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોકે આગામી વર્ષોમાં મેગા ઓક્શન ફરીથી વિદેશમાં યોજાઈ શકે છે, પરંતુ આ વખતે ભારતીય શહેરોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.
વિદેશમાં ઓક્શન યોજવાના પડકારો અને સમસ્યાઓ
વિદેશમાં મિની-ઓક્શન યોજવાને કારણે ફ્રેન્ચાઇઝી ટીમો અને અધિકારીઓને વિદેશ પ્રવાસ કરાવવામાં મોટી લોજિસ્ટિકલ અને ઓપરેશનલ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અબુધાબીમાં યોજાયેલા પાછલા ઓક્શન દરમિયાન આ મુદ્દે ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ જ બાબતોને ધ્યાનમાં રાખીને ગવર્નિંગ કાઉન્સિલે આ વર્ષના ઓક્શન માટે કોઈ ભારતીય શહેરને જ પસંદ કરવાનું નક્કી કર્યું છે.
વેન્યુની પસંદગી જગ્યાની ઉપલબ્ધતા પર નિર્ભર
આઈપીએલનું ઓક્શન મુખ્યત્વે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં યોજાય છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં લગ્નોની સિઝન પણ પૂરજોશમાં ચાલે છે. આ કારણોસર, હરાજીના સ્થળ (વેન્યુ) ની પસંદગી ફ્રેન્ચાઇઝી અને તેમના પ્રતિનિધિઓ માટે હોટેલ તથા રહેવાની યોગ્ય જગ્યાની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવશે. BCCI ને ઓક્શનનું સફળ સંચાલન કરવા માટે કોઈપણ 5-સ્ટાર હોટેલમાં 100 થી વધુ રૂમની જરૂરિયાત રહે છે. આ તમામ બાબતોની સમીક્ષા કર્યા બાદ ઓક્શનની ચોક્કસ તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
