ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersને 7-5થી હરાવી ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સે પ્રથમ વખત GCL ટ્રોફી જીતી; FYERS American Gambits ત્રીજા સ્થાને
બેંગલુરુ
ગ્લોબલ ચેસ લીગ (GCL)ની સીઝન-4માં ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સે શાનદાર પ્રદર્શન કરતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Alpine APL Pipersને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસન સામે ઇયાન નેપોમ્નિયાચીએ નિર્ણાયક મુકાબલામાં પોઝિશનલ ભૂલનો લાભ ઉઠાવી ટીમને જીત તરફ દોરી હતી. ટેક મહિન્દ્રા અને FIDEની સંયુક્ત પહેલ એવા GCLની ફાઇનલમાં ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સે બે લેગમાં કુલ 7-5થી વિજય મેળવ્યો.
પ્રથમ લેગ 3-3થી ડ્રો, બીજા લેગમાં ચેમ્પિયનનો દબદબો
ફાઇનલના પ્રથમ લેગમાં બંને ટીમો વચ્ચે 3-3થી બરાબરી રહી હતી. ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સ માટે લેવોન એરોનિયન અને Alpine APL Pipersના અનિશ ગિરી વચ્ચેની રમત મહત્વપૂર્ણ રહી હતી. એરોનિયને શરૂઆતથી જ નિયંત્રણ જાળવ્યું અને 49 ચાલ બાદ ગિરી સમય પૂરો થતાં હારી ગયા હતા.
અન્ય તમામ બોર્ડ પર મુકાબલો ડ્રો રહ્યો હતો. ત્યારબાદ પાઇપર્સ માટે વોલોદાર મુર્ઝિનને જીત જરૂરી હતી અને તેણે લ્યુક લિયોન મેન્ડોન્કાને 49 ચાલ બાદ પરાજય સ્વીકારવા મજબૂર કરીને સ્કોર 3-3 કર્યો હતો.
કાર્લસનની ભૂલનો નેપોમ્નિયાચીએ લીધો ફાયદો
બીજા લેગમાં મેગ્નસ કાર્લસન આઇકોન બોર્ડ પર જીતની સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા, પરંતુ 28મી ચાલે કરેલી પોઝિશનલ ભૂલ બાદ ઇયાન નેપોમ્નિયાચીએ તેમને વાપસીની કોઈ તક આપી નહોતી. નેપોમ્નિયાચીની જીતે ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સને મહત્વપૂર્ણ લીડ અપાવી હતી.
ત્યારબાદ સ્ટાવરુલા ત્સોલાકિદુએ કોનેરુ હમ્પીને હરાવીને ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સનો ખિતાબ નિશ્ચિત કરી દીધો હતો. નેપોમ્નિયાચીને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
ત્સોલાકિદુ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ગંગેસ ગ્રાન્ડમાસ્ટર્સની સ્ટાવરુલા ત્સોલાકિદુને ટૂર્નામેન્ટની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી. તેણે 12 રમતોમાં છ જીત અને ત્રણ ડ્રો સાથે કુલ 21.5 પોઇન્ટ મેળવ્યા હતા. ઇનામ તરીકે તેને જાવા બાઇક આપવામાં આવી હતી.
CheQ Mumba Mastersની ડી. હરિકા સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ ગેમ ન હારનાર એકમાત્ર ખેલાડી રહી હતી. તેણે 12 મેચમાં ચાર જીત અને આઠ ડ્રો સાથે 18.5 પોઇન્ટ મેળવ્યા હતા.
American Gambits ત્રીજા સ્થાને
FYERS American Gambitsએ CheQ Mumba Mastersને બે લેગના પ્લેઓફમાં 7.5-4.5થી હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પ્રથમ મેચમાં Gambitsએ 3.5-2.5થી જીત મેળવી હતી. નિહાલ સરિન અને માર્કઆન્ડ્રિયા મૌરિઝીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજા મુકાબલામાં આઇકોન ખેલાડી જાવોખિર સિંદારોવે મેક્સિમ વાશિયર-લાગ્રેવ સામે ડ્રો કર્યો હતો, ત્યારબાદ નિહાલ અને મૌરિઝીએ ટીમને જીત અપાવી હતી. નિહાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
