વાદળી, જાંબલી અને મેજેન્ટા રંગોની ડિઝાઇનમાં દોડવીરોની સફરનો સંદેશ; તિરંગાની કિનારી #Run4OurSoldiers સાથે પ્રિન્ટ થયેલી છે
અમદાવાદ
અદાણી અમદાવાદ મેરેથોનની ઐતિહાસિક 10મી આવૃત્તિ માટેની સત્તાવાર જર્સીનું અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. મેરેથોનના અધિકૃત મોલ પાર્ટનર પેલેડિયમ મોલ ખાતે ફિટનેસપ્રેમીઓ અને અમદાવાદના દોડવીરોના સમુદાયની હાજરીમાં જર્સી લોન્ચ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સવેર પાર્ટનર રીબોક સાથેની ભાગીદારીમાં તૈયાર કરાયેલી આ જર્સી મેરેથોનની એક દાયકાની યાત્રા અને સતત વિસ્તરતા દોડવીરોના સમુદાયનું પ્રતિબિંબ રજૂ કરે છે.
અદાણી અમદાવાદ મેરેથોને છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. ગત આવૃત્તિમાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. એક શહેરસ્તરીય મેરેથોન તરીકે શરૂ થયેલી આ ઈવેન્ટ હવે વાર્ષિક રમતોત્સવનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જેમાં અનુભવી એથ્લિટ્સથી લઈને પ્રથમ વખત દોડતા લોકો, ફિટનેસપ્રેમીઓ, પરિવારો અને વિવિધ સમુદાયના લોકો એકસાથે જોડાય છે.
રીબોક સાથેની ભાગીદારી દ્વારા મેરેથોનના દાયકાના વારસાને સ્પોર્ટ્સવેર ક્ષેત્રની નિપુણતા સાથે સાંકળવામાં આવ્યો છે. જર્સીની ડિઝાઇન રેસના દિવસની ગતિશીલતા, ઊર્જા અને ઉત્સાહની સાથે દોડવીરની સમગ્ર યાત્રાને દર્શાવે છે.
જર્સી પરની વહેતી રેખાઓ રેસના દિવસે દોડવીરના દરેક પગલાં અને દરેક કિલોમીટરની સતત ગતિનું પ્રતીક છે. વાદળીથી જાંબલી અને મેજેન્ટા તરફ બદલાતો રંગઢાળ દોડવીરની બદલાતી લાગણીઓને રજૂ કરે છે. તેમાં રેસ પહેલાંની શાંતિ અને ઉત્સુકતાથી લઈને દોડ દરમિયાનની તીવ્રતા અને અંતિમ રેખા પાર કર્યા બાદની ઉજવણી સુધીની સફર દર્શાવવામાં આવી છે.
જર્સીમાં તિરંગાની વિશિષ્ટ કિનારી પણ સામેલ કરવામાં આવી છે. આ ડિઝાઇન મેરેથોનના મુખ્ય અભિયાન #Run4OurSoldiers સાથે જોડાય છે અને ભારતીય સશસ્ત્ર દળોના સાહસ, સમર્પણ તથા બલિદાનને નમન કરતી સામૂહિક ભાવનાને વ્યક્ત કરે છે.
‘જર્સી કાર્યક્રમનું મહત્વપૂર્ણ અંગ’ : સંજય આદેસરા
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેસરાએ જણાવ્યું હતું કે મેરેથોનની વિશેષતા એ છે કે તે સૌને એક સ્થળે ભેગા કરે છે. છેલ્લા એક દાયકામાં અદાણી અમદાવાદ મેરેથોનનો વ્યાપ વધ્યો છે અને હવે સમગ્ર ગુજરાત તથા દેશમાંથી દોડવીરો તેમાં ભાગ લેવા આવે છે. તેમણે જર્સીને આ અનુભવનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવ્યો હતો.
રીબોક ઈન્ડિયાના બ્રાન્ડ હેડ અર્જુન રામામૂર્તિએ જણાવ્યું હતું કે ભારતમાં રનિંગ રમત-ગમતની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. અદાણી અમદાવાદ મેરેથોન સાથેની ભાગીદારીને તેમણે રીબોક માટે દોડવીરોના સમુદાય સાથે જોડાવાની તક ગણાવી હતી.
મેરેથોનની મહત્વની વિગતો
તારીખ: 29 નવેમ્બર, 2026
પ્રારંભ સ્થળ: સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક
રેસ શ્રેણીઓ: ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિ.મી. અને 5 કિ.મી.
મુખ્ય અભિયાન: #Run4OurSoldiers
વૈશ્વિક જોડાણ: 2022થી AIMS વૈશ્વિક મેરેથોન ઈવેન્ટ યાદીમાં સમાવેશ
રેસ રૂટ: એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત
29 નવેમ્બરે યોજાશે 10મી આવૃત્તિ
અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિ 29 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ થનારી આ દોડમાં ભાગ લેનારા દોડવીરોને સાબરમતી રિવરફ્રન્ટ સહિત અમદાવાદના વિવિધ ઐતિહાસિક સ્થળો પાસેથી પસાર થવાનો અનુભવ મળશે. મેરેથોનમાંથી થતી આવકનો મોટો હિસ્સો સશસ્ત્ર દળોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાય છે.
