રિલાયન્સ કપ 2026: અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકા ફાઇનલ રાઉન્ડમાં

Spread the love

ક્વાલિફાયર મુકાબલામાં અરાવલીએ સુરેન્દ્રનગરને, ભાવનગરે ભરૂચને અને દેવભૂમિ દ્વારિકાએ કચ્છને હરાવ્યું

અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ ક્વાલિફાયર મુકાબલામાં વિજય મેળવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલા 23થી 28 સપ્ટેમ્બર, 2026 દરમિયાન રમાશે.

ગુજરાત સ્ટેટ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના માળખા મુજબ ગત વર્ષની સ્પર્ધાના પરિણામોના આધારે નવ ટીમો ફાઇનલ રાઉન્ડ માટે અગાઉથી ક્વાલિફાય થઈ હતી. તેમાં જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જૂનાગઢ અને છોટાઉદેપુરની ટીમોનો સમાવેશ થાય છે.

હવે ક્વાલિફાયર રાઉન્ડમાંથી અરાવલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારિકાની ટીમોએ ફાઇનલ રાઉન્ડમાં સ્થાન મેળવતા કુલ 12 ટીમો વચ્ચે લીગ તબક્કો રમાશે. આ 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

આજના પ્રથમ ક્વાલિફાયર મુકાબલામાં અરાવલીની ટીમે સુરેન્દ્રનગર સામે 2-1થી વિજય મેળવ્યો હતો. અરાવલી તરફથી વિવેક કુમાર અને ધાર્મિક કુમારે એક-એક ગોલ નોંધાવી ટીમને જીત અપાવી હતી. જ્યારે સુરેન્દ્રનગર તરફથી કર્મરાજસિંહે એક ગોલ કર્યો હતો.

બીજા મુકાબલામાં ભાવનગરની ટીમે ભરૂચને 4-1થી હરાવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ભાવનગર તરફથી માનવેન્દ્રસિંહ સરવૈયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતાં એકલા હાથે ચાર ગોલ ફટકાર્યા હતા. ભરૂચ તરફથી સિકંદરે એક ગોલ કર્યો હતો.

ત્રીજા ક્વાલિફાયર મુકાબલામાં દેવભૂમિ દ્વારિકાની ટીમે કચ્છ સામે 2-0થી જીત મેળવી હતી. દેવભૂમિ દ્વારિકા તરફથી ચિરાગ જેઠવા અને ફૈજલ પટેલે એક-એક ગોલ નોંધાવી ટીમને ફાઇનલ રાઉન્ડમાં પહોંચાડી હતી.

23 સપ્ટેમ્બરથી શરૂ થનારા ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કામાં અરાવલીનો મુકાબલો જામનગર સામે, ગાંધીનગરનો પંચમહાલ સામે, ભાવનગરનો વડોદરા સામે અને અમદાવાદનો આણંદ સામે થશે.

  • ટુર્નામેન્ટ: રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026
  • આયોજક: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન
  • ફાઇનલ રાઉન્ડ: 23થી 28 સપ્ટેમ્બર, 2026
  • ક્વાલિફાય થયેલી ટીમો: અરાવલી, ભાવનગર, દેવભૂમિ દ્વારિકા
  • ફાઇનલ રાઉન્ડની કુલ ટીમો: 12
  • ગ્રુપ: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *