રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એકતાનગરની વામન વૃક્ષ વાટિકાની મુલાકાતે

Spread the love

પ્રાચીન ભારતીય વામન વૃક્ષ કળા અને પરંપરાથી થયા અવગત; મહિલા સ્વસહાય જૂથ દ્વારા બોન્સાઇ નિર્માણનું જીવંત નિદર્શન

એકતાનગર

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સહભાગી થવા એકતાનગર પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એકતાનગર સ્થિત **વામન વૃક્ષ વાટિકા (બોન્સાઇ ગાર્ડન)**ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વામન વૃક્ષ કળા, તેની પ્રાચીન પરંપરા તથા પ્રકૃતિ સાથેના તેના સુંદર સમન્વય વિશે જાણકારી મેળવી હતી.

રાજ્યપાલે વામન વૃક્ષ વાટિકાના વિવિધ છ વિભાગોની મુલાકાત લઈને અહીં ઉછેરવામાં આવેલા વિવિધ વૃક્ષો અને છોડની વિશેષતાઓ નિહાળી હતી. વાટિકાના ગાઇડ સુશ્રી રેશમા ઘોરીએ રાજ્યપાલશ્રીને ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળાના ઇતિહાસ અને તેના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

રેશમા ઘોરીએ જણાવ્યું હતું કે વામન વૃક્ષની આ પ્રાચીન કળા ભારતમાંથી ચીન અને ત્યારબાદ જાપાન સુધી પહોંચી હતી. જાપાનમાં આ કળા ‘બોન્સાઇ’ તરીકે વધુ પ્રચલિત બની અને આજે વિશ્વભરમાં તેની આગવી ઓળખ છે.

મુલાકાત દરમિયાન વાટિકામાં ઉછેરવામાં આવેલા વિવિધ વૃક્ષો તથા છોડની વિશેષતાઓ અંગે પણ રાજ્યપાલશ્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વાટિકામાં મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કૃષ્ણકમલ (Passion Flower) વિશે પણ તેમને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

વામન વૃક્ષ વાટિકાના મહત્વપૂર્ણ વિભાગ ‘મેક યોર ઓન બોન્સાઇ’ ખાતે સ્થાનિક મહિલા સ્વસહાય જૂથનાં શારદાબેન તડવીએ રાજ્યપાલ સમક્ષ બોન્સાઇ બનાવવાની કળાનું જીવંત નિદર્શન કર્યું હતું.

રાજ્યપાલે શારદાબેન તડવી પાસેથી બોન્સાઇના નિર્માણની વિવિધ પ્રક્રિયાઓ અંગે જાણકારી મેળવી હતી. તેમાં વૃક્ષની પસંદગી, તેને યોગ્ય આકાર આપવાની પદ્ધતિ તેમજ લાંબા સમય સુધી તેની યોગ્ય જાળવણી કેવી રીતે કરવી તે અંગે તેમણે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

વામન વૃક્ષ વાટિકાની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતની પ્રાચીન કળા, પ્રકૃતિ અને પરંપરાના સુંદર સમન્વયને નજીકથી નિહાળ્યો હતો. વામન વૃક્ષ કળા માત્ર છોડને વિશિષ્ટ આકાર આપવાની પરંપરા નહીં, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની સમજ અને સંવેદનાને પણ ઉજાગર કરતી કળા તરીકે વાટિકામાં રજૂ કરવામાં આવી છે.

‘મેક યોર ઓન બોન્સાઇ’

સ્થાનિક મહિલા સ્વસહાય જૂથનાં શારદાબેન તડવીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ બોન્સાઇ બનાવવાની કળાનું જીવંત નિદર્શન કર્યું હતું. વૃક્ષની પસંદગીથી લઈને તેને આકાર આપવાની પદ્ધતિ અને જાળવણી સુધીની પ્રક્રિયા અંગે રાજ્યપાલે માહિતી મેળવી હતી.

રાજ્યપાલની મુલાકાત વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક્ષક ઇજનેર અંકિત ગુપ્તા તથા કાર્યપાલક ઇજનેર આશિષ બહુગુણા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *