ગરૂડેશ્વર SDH હોસ્પિટલની આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લીધી આકસ્મિક મુલાકાત, સુવિધાઓના વિસ્તરણના આપ્યા તાત્કાલિક નિર્દેશ

Spread the love

દર્દીઓના સ્વજનો માટે નવા ભવન સાથે ડાયાલિસિસ સેવા શરૂ કરવા આયોજન; PIU વિભાગને એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવા આદેશ

નર્મદા

રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને જનકેન્દ્રિત બનાવવાના હેતુથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગત રાત્રે 9:30 વાગ્યે ગરૂડેશ્વર તાલુકાની સરકારી SDH હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે હોસ્પિટલની વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા, ઇમરજન્સી સેવા, લેબોરેટરી વ્યવસ્થા તેમજ દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે તેમનો પ્રતિસાદ પણ મેળવ્યો હતો.

મુલાકાત દરમિયાન ગરૂડેશ્વર SDH હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાનું મંત્રીના ધ્યાને આવ્યું હતું. જેના કારણે હાલની માળખાકીય સુવિધાઓ પર ભાર વધી રહ્યો છે. આ ઉપરાંત વિસ્તારમાં જરૂરી એવી ડાયાલિસિસ સેવા હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

આ બાબતને ગંભીરતાથી લઈ પ્રફુલ પાનશેરીયાએ સ્થળ પરથી જ PIU (પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ) વિભાગના ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં જરૂરી વધારાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ ડાયાલિસિસ સેવા શરૂ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનો માટે પૂરતી રહેવાની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું પણ મંત્રીના ધ્યાને આવ્યું હતું. આથી દર્દીઓના પરિવારજનોને રોકાણ દરમિયાન અગવડ ન પડે તે માટે નવા ભવનના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત હોસ્પિટલમાં માળખાકીય અને આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ, ડાયાલિસિસ યુનિટની સ્થાપના તથા દર્દીઓના સ્વજનો માટે નવા ભવનના નિર્માણ અંગે વ્યાપક આયોજન તૈયાર કરી એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવા PIU વિભાગના ઉચ્ચ અધિકારીને મંત્રીએ નિર્દેશ આપ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓને સારવાર માટે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જરૂરિયાત મુજબ આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુલાકાતના અંતે મંત્રીએ હોસ્પિટલના તબીબો, અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી હતી. તેમણે દર્દીકેન્દ્રિત સેવાઓ વધુ અસરકારક બનાવવા, સ્વચ્છતા જાળવવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

એક અઠવાડિયામાં પ્રસ્તાવ

ગરૂડેશ્વર SDH હોસ્પિટલ માટે મુખ્ય સૂચનાઓ:
• ડાયાલિસિસ યુનિટ શરૂ કરવા આયોજન
• દર્દીઓના સ્વજનો માટે નવા ભવનનું નિર્માણ
• વધારાની માળખાકીય સુવિધાઓનું વિસ્તરણ
• PIU વિભાગને એક અઠવાડિયામાં વિગતવાર પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્દેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *