‘એલ્યુમિનિયમ ભારત 2026’માં ભારતની એલ્યુમિનિયમ મહત્વાકાંક્ષાઓ કેન્દ્રસ્થાને

Spread the love

ગાંધીનગરમાં 30 હજાર ચોરસ મીટરમાં પ્રદર્શન; 500થી વધુ પ્રદર્શકો અને 50 હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા, ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગની ક્ષમતા વધારવા નીતિગત પગલાંની માંગ

ગાંધીનગર

ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે એલ્યુમિનિયમ ઉત્પાદનોનું વિશેષ પ્રદર્શન ‘એલ્યુમિનિયમ ભારત 2026’ ખુલ્લું મુકાયું હતું. ધ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALEMAI) દ્વારા આયોજિત આ ચાર દિવસીય પ્રદર્શન 26થી 29 સપ્ટેમ્બર દરમિયાન ALUMEX INDIA 2026 સાથે યોજાઈ રહ્યું છે. તેમાં એલ્યુમિનિયમ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલા ઉત્પાદકો, રિસાયકલર્સ, ટેક્નોલોજી પ્રદાતાઓ, ખરીદદારો, નીતિ નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય હિસ્સેદારો એક મંચ પર આવ્યા છે.

એલ્યુમિનિયમ ભારત 2026નું આયોજન 30 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે અને 50 હજારથી વધુ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. પ્રાથમિક એલ્યુમિનિયમ ઉત્પાદકોથી લઈને એક્સટ્રુઝન, રોલિંગ, રિસાયક્લિંગ, ટેક્નોલોજી અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો સુધીના વિવિધ ક્ષેત્રો તેમાં જોડાયા છે. બિઝનેસ મીટિંગ્સ, ટેક્નિકલ સત્રો અને ઉદ્યોગ સંવાદોમાં નવી ટેક્નોલોજી, રોકાણ, નવા ઉપયોગો અને ભારતમાં મૂલ્યવર્ધન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં એલ્યુમિનિયમની માંગ વધી રહી છે. જોકે, ALEMAIના જણાવ્યા મુજબ ભારતમાં એલ્યુમિનિયમ એક્સટ્રુઝન ઉદ્યોગની વાર્ષિક સ્થાપિત ક્ષમતા આશરે 30 લાખ ટન છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન 10થી 12 લાખ ટન જેટલું છે. બીજી તરફ, ડાઉનસ્ટ્રીમ એલ્યુમિનિયમની આયાત અંદાજે 12થી 15 લાખ ટન વાર્ષિક છે.

ઉદ્યોગની મુખ્ય ચિંતામાં કાચા માલની કિંમત, ઊર્જા ખર્ચ અને ટેરિફ માળખાનો સમાવેશ થાય છે. પ્રાથમિક એલ્યુમિનિયમના ઇંગોટ્સ અને બિલેટ્સ પર સ્ટાન્ડર્ડ બેઝિક કસ્ટમ્સ ડ્યુટી 7.5 ટકા છે, જ્યારે એલ્યુમિનિયમ સ્ક્રેપ પર ઓછી ડ્યુટી લાગુ પડે છે. ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે ડાઉનસ્ટ્રીમ એમએસએમઈને ઇનપુટ ખર્ચમાં રાહત આપવા ડ્યુટી માળખાને તર્કસંગત બનાવવાની જરૂર છે.

ઉદ્યોગની ચાર મુખ્ય માગ

  • કાચા માલ અને તૈયાર ઉત્પાદનોના ટેરિફનું તર્કસંગતીકરણ
  • ઊર્જા અને ધિરાણ ખર્ચ ઘટાડવાના પગલાં
  • સ્થાનિક વપરાશ તથા મૂલ્યવર્ધિત ઉત્પાદનોની માંગમાં વધારો
  • બદલાતા વૈશ્વિક વેપાર પ્રવાહો સાથે ભારતની એલ્યુમિનિયમ વ્યૂહરચનાનું સંકલન

ALEMAIના પ્રમુખ જિતેન્દ્ર ચોપરાએ જણાવ્યું હતું કે ભારત પાસે મૂલ્યવર્ધિત એલ્યુમિનિયમ ઉત્પાદનોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની ઉત્પાદન ક્ષમતા અને તકનીકી ક્ષમતા છે. ઊંચા ઇનપુટ ખર્ચ, ટેરિફની અસમાનતા, ઊર્જા ખર્ચ અને આયાતી ડાઉનસ્ટ્રીમ ઉત્પાદનોની સ્પર્ધા જેવા પડકારો વચ્ચે ક્ષમતાનો વધુ સારો ઉપયોગ અને નવા રોકાણ માટે યોગ્ય વાતાવરણ જરૂરી છે.

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે એલ્યુમિનિયમ ઉદ્યોગ, ખાસ કરીને ડાઉનસ્ટ્રીમ મેન્યુફેક્ચરિંગમાં સ્થાનિક મૂલ્યવર્ધન અને ક્ષમતાના બહેતર ઉપયોગથી એમએસએમઈ માટે નવી તકો ઊભી થઈ શકે છે.

નિતી આયોગના તાજેતરના વેપાર વિશ્લેષણ મુજબ, 2025માં ભારતે આશરે 6.8 અબજ ડોલરના એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જ્યારે આયાત આશરે 9.9 અબજ ડોલર રહી હતી. મૂલ્યવર્ધિત ઉત્પાદનોની આયાતમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં એલ્યુમિનિયમ ભારત 2026 દ્વારા સ્થાનિક ઉત્પાદન, રિસાયક્લિંગ, ટેક્નોલોજી અપનાવવાની પ્રક્રિયા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ વચ્ચે સંવાદને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *