જયનિલ મહેતાએ રોમાંચક ફાઇનલમાં સોહમને હરાવી સતત બીજું સ્ટેટ મેન્સ ટાઇટલ જીત્યું

Spread the love

સાત ગેમ સુધી ખેંચાયેલી ફાઇનલમાં જયનિલનો 4-3થી વિજય; અંડર-19માં અભિલાક્ષ પટેલનો અપસેટ, અંડર-17માં માનવ પંચાલ ચેમ્પિયન

આણંદ

આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના બીજા ક્રમાંકિત જયનિલ મહેતાએ રોમાંચક મુકાબલામાં અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યને 4-3થી હરાવી મેન્સ સિંગલ્સનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. સાત ગેમ સુધી ચાલેલી મેરેથોન ફાઇનલમાં અંત સુધી બંને ખેલાડીઓ વચ્ચે કાંટે કી ટક્કર રહી હતી. આ સાથે જયનિલે સતત બીજું સ્ટેટ રેન્કિંગ ટાઇટલ પોતાના નામે કર્યું છે.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ચાર દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રોટોમેગ અને અનુપમ મુખ્ય સ્પોન્સર છે, જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો સહયોગ તથા સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર છે.

મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જયનિલે સોહમ સામે પ્રથમ ગેમ 11-9થી જીતી હતી. સોહમે બીજી ગેમ 12-10થી જીતી વાપસી કરી હતી. ત્યારબાદ જયનિલે ત્રીજી ગેમ 12-10થી જીતી હતી, પરંતુ સોહમે ચોથી ગેમ 11-9થી જીતી મુકાબલો 2-2થી બરાબર કર્યો હતો. પાંચમી ગેમ સોહમે 11-0થી જીતી લીડ મેળવી હતી. જોકે જયનિલે છઠ્ઠી ગેમ 13-11થી જીતી ફરી સ્કોર બરાબર કર્યો અને નિર્ણાયક સાતમી ગેમ 12-10થી જીતી ટાઇટલ પોતાના નામે કર્યું હતું.

બોયઝ અંડર-19ની ફાઇનલમાં અમદાવાદના ત્રીજા ક્રમાંકિત અભિલાક્ષ પટેલે અરવલ્લીના ટોચના ક્રમાંકિત જન્મેજય પટેલને 4-1થી હરાવી ટાઇટલ જીત્યું હતું. ચાલુ સિઝનમાં અંડર-19 કેટેગરીમાં જન્મેજયને હરાવનારો અભિલાક્ષ પ્રથમ પેડલર બન્યો છે. અભિલાક્ષે 11-13થી પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ 11-6, 14-12, 14-12 અને 13-11થી સતત ચાર ગેમ જીતી ચેમ્પિયનશિપ મેળવી હતી.

બોયઝ અંડર-17ની ફાઇનલમાં અમદાવાદના ટોચના ક્રમાંકિત માનવ પંચાલે તેના જ શહેરના બીજા ક્રમાંકિત દ્વિજ ભાલોડિયાને 3-1થી હરાવી ખિતાબ મેળવ્યો હતો.

વિમેન્સ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદની ટોચની ખેલાડી પ્રથા પવારે સુરતની વિશ્રુતિ જાદવને 3-1થી હરાવી હતી. અમદાવાદની મૌબોની ચેટરજીએ કૌશા ભેરાપૂરેને 3-0થી, સુરતની ફિલઝાહફાતિમા કાદરીએ નવસારીની સિદ્ધિ બલસારાને 3-1થી હરાવી હતી.

ભાવનગરની સાતમી ક્રમાંકિત રિયા જયસ્વાલે મોટો અપસેટ સર્જતાં સુરતની બીજી ક્રમાંકિત આફ્રિન મુરાદને 3-1થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

અંડર-17 ગર્લ્સમાં સેમિફાઇનલિસ્ટ

  • મૌબોની ચેટરજી
  • વિશ્રુતિ જાદવ
  • ક્રિષ્ણા પટેલ, વડોદરા
  • વિન્સી તન્ના, સુરત

આ ઉપરાંત અંડર-15 અને અન્ય વયજૂથોમાં પણ ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અંડર-15 બોયઝમાં અંશ ખમાર, યોહાન ચોધરી, પ્રિયાંશ અગ્રવાલ, યુગ પ્રતાપ સિંઘ, દક્ષ જેઠવા, સક્ષમ ગણાત્રા અને રિયાન શાહે પોતાના મુકાબલા જીતી આગળનો તબક્કો હાંસલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *