અરિહંત રાજપુરોહિત અને તેજ પરીખના ગોલથી બરોડાની દમદાર જીત; આવતીકાલે બરોડા-જુનાગઢ વચ્ચે મુકાબલો
ગાંધીનગર:
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ સુપર લીગ તબક્કાની મેચો ગાંધીનગર ખાતે રમાઈ રહી છે. સુપર લીગના પ્રથમ મુકાબલામાં બરોડાની ટીમે આક્રમક અને શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ગાંધીનગરની ટીમને 3-0થી હરાવી વિજયી શરૂઆત કરી છે.
મેચની શરૂઆતથી જ બરોડાની ટીમે આક્રમક રમત દર્શાવી હતી. મેચની 25મી મિનિટે કોર્નર કિક પરથી આવેલા બોલને અરિહંત રાજપુરોહિતે ગોલમાં ફેરવી બરોડાને 1-0ની સરસાઈ અપાવી હતી.
ત્યારબાદ હાફ ટાઈમ પહેલાં તેજ પરીખે પેનલ્ટી એરિયાની બહારથી મળેલી ડાયરેક્ટ કિકને શાનદાર રીતે ગોલમાં પરિવર્તિત કરી બરોડાનો સ્કોર 2-0 કર્યો હતો. પ્રથમ હાફના અંતે બરોડા 2-0થી આગળ રહ્યું હતું.
બીજા હાફમાં પણ બરોડાની ટીમે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેજ પરીખે વધુ એક ગોલ નોંધાવી બરોડાની સરસાઈ 3-0 કરી હતી. ત્યારબાદ ગાંધીનગરની ટીમ તરફથી વાપસી માટે પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ બરોડાની મજબૂત રમત સામે તે સફળ રહ્યા નહોતા.
આખરે મેચનો સ્કોર બરોડાની તરફેણમાં 3-0 રહ્યો. આ જીત સાથે બરોડાએ સુપર લીગ તબક્કામાં વિજયી શરૂઆત કરી છે.
સુપર લીગ તબક્કામાં હવે આવતીકાલે બરોડા અને જુનાગઢની ટીમો આમને-સામને ટકરાશે. જ્યારે ટુર્નામેન્ટનો અંતિમ સુપર લીગ મુકાબલો 30 સપ્ટેમ્બર, 2026ના રોજ જુનાગઢ અને ગાંધીનગર વચ્ચે રમાશે.
મેચ હાઇલાઇટ્સ
બરોડા : 3
અરિહંત રાજપુરોહિત – 25મી મિનિટ
તેજ પરીખ – પ્રથમ હાફ
તેજ પરીખ – બીજા હાફગાંધીનગર : 0
