સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીએ એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

Spread the love

૩૧ ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં નાગરિકો પણ બની શકશે સહભાગી; નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ લોન્ચ

રાજપીપળા

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા આધુનિક ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.

આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડને વિશાળ ફલક પર યોજવામાં આવી રહી છે. પરેડમાં દેશભરના પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે ૧૦,૦૦૦ જવાનો, વિવિધ રાજ્યોના પોલીસ દળો, આશરે ૪,૭૦૦ કલાકારો તથા વિવિધ બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. પરેડના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, પરંપરા અને ‘વિવિધતામાં એકતા’ના રંગોનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે.

પરેડનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાનો ફ્લાયપાસ્ટ, વિવિધ બેન્ડની દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ અને વડાપ્રધાનનું સંબોધન રહેશે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ નાગરિકોને રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહી આ ભવ્ય રાષ્ટ્રીય પર્વના સાક્ષી બનવાની તક આપવામાં આવી છે.

નાગરિકો માટે www.rashtriyaektadiwas.com વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. નાગરિકો વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરી શકશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ સત્તાવાળાઓ દ્વારા નોંધાયેલા ઈ-મેઈલ પર કન્ફર્મેશન અથવા એન્ટ્રી પાસ મોકલવામાં આવશે. પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને નોંધણી ‘વહેલા તે પહેલાં’ના ધોરણે કરવામાં આવશે.

પ્રસ્તાવિત પરેડ રૂટ

નર્મદા માતા પ્રતિમાથી પ્રારંભ → રેપ્લિકા ગાર્ડન, એસઆરપી કોલોની નજીક સમાપન

‘ડોમ સિટી’માં પ્રવાસીઓ માટે રહેણાક સુવિધા

રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬ તેમજ ૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘ભારત પર્વ–૨૦૨૬’માં ભાગ લેવા આવતા પ્રવાસીઓ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા એકતાનગર ખાતે વિશેષ ‘ડોમ સિટી’ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રહેણાક સુવિધા ૨૯ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે. ઉપલબ્ધતા અનુસાર વિવિધ રહેણાક વિકલ્પોનું બુકિંગ કરી શકાશે.

નાગરિકોને જોડાવા અપીલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ જણાવ્યું હતું કે સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવાના ઉદ્દેશ્યથી નાગરિકોને રાષ્ટ્રીય એકતા પરેડમાં સહભાગી થવાની તક આપવામાં આવી છે. તેમણે તમામ નાગરિકોને આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગમાં સહભાગી થવા અપીલ કરી હતી.

એકતાનગર ખાતે યોજાનારી આ ઉજવણી ભારતની એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, શક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક બનશે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરતી આ ઉજવણીમાં નાગરિકોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *