લંડન ફેશન વીકમાં ગુજરાતની માલધારી દીકરી સોનલ દેસાઈની કારીગરીનો ડંકો

Spread the love

રબારી ભરતકામ અને પરંપરાગત હસ્તકલાથી તૈયાર થયેલાં 25 જેટલાં ડિઝાઇનર વસ્ત્રોનું ‘BECOMING’ કલેક્શન વૈશ્વિક મંચ પર રજૂ થયું

“મને મળેલી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું” – સોનલ દેસાઈ

અમદાવાદ

ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, માલધારી સમાજની પરંપરાગત હસ્તકલા અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં નવી ઓળખ અપાવતી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામની માલધારી સમાજની દીકરી અને FLAPPER6 બ્રાન્ડનાં સ્થાપક સોનલ દેસાઈએ લંડન ફેશન વીકમાં પરંપરાગત ભારતીય કારીગરી અને આધુનિક લક્ઝરી ફેશનનું અનોખું સંયોજન રજૂ કર્યું હતું. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ સેન્ટ્રલ લંડનના ફેશન સ્કાઉટ પ્રોટીન સ્ટુડિયોમાં યોજાયેલા આ ફેશન શોમાં તેમના સમર 2027ના ‘BECOMING’ કલેક્શનનાં 25 જેટલાં ડિઝાઇનર વસ્ત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં.

17થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા લંડન ફેશન વીકમાં FLAPPER6નું આ કલેક્શન ગુજરાતની પરંપરાગત કળાને વૈશ્વિક ફેશન સાથે જોડવાનો નોંધપાત્ર પ્રયાસ બન્યું હતું. રબારી ભરતકામ, હાથથી કરવામાં આવતું ભરતકામ, જૅકો મોતી વર્ક, હેન્ડ પેઇન્ટિંગ, વૂલ, લેધર અને ડિજિટલ પ્રિન્ટ જેવી વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને આ વિશિષ્ટ વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ કલેક્શનની વિશેષતા એ હતી કે તેમાં પરંપરાગત કારીગરીની આગવી ઓળખ જાળવી રાખવાની સાથે આધુનિક ડિઝાઇન અને લક્ઝરી ફેશનના તત્ત્વોનો પણ સુંદર સમન્વય કરવામાં આવ્યો હતો.

ફેશન શોમાં રજૂ થયેલાં વસ્ત્રોમાં રબારી ભરતકામની વિવિધ ભાત, આકર્ષક રંગસંયોજન અને મોતીકામની ઝીણવટભરી કારીગરીએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના માલધારી સમાજની પેઢી દર પેઢી સચવાયેલી હસ્તકલાને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરીને સોનલ દેસાઈએ સ્થાનિક પરંપરાને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

“આ સિદ્ધિ મારા સમગ્ર સમાજને સમર્પિત છે”

લંડન ફેશન વીકના અનુભવ અંગે સોનલ દેસાઈએ જણાવ્યું હતું કે, “સમગ્ર વિશ્વના પ્રતિષ્ઠિત ફેશન મંચોમાં સ્થાન ધરાવતા લંડન ફેશન વીકમાં આપણા માલધારી સમાજની ભરતકામ કળાને રજૂ કરીને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ મેળવવો મારા માટે, મારા સમાજ માટે અને દેશ માટે ગર્વની વાત છે. મને મળેલી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હું મારા સમગ્ર સમાજને અર્પણ કરું છું. રબારી ભરતકામ માત્ર કપડાં પર થતી કારીગરી નથી, પરંતુ આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઓળખ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રબારી ભરતકામની ભાતીગળ પરંપરાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનું તેમનું બાળપણનું સ્વપ્ન હતું, જે FLAPPER6ની લંડન ફેશન વીકમાં હાજરીથી સાકાર થયું છે. આ સફળતામાં તેમની સાથે સંકળાયેલી 80થી વધુ મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. આ મહિલાઓની મહેનત, કુશળતા અને સર્જનાત્મકતાના કારણે પરંપરાગત કારીગરીને આધુનિક વસ્ત્રોમાં સ્થાન મળ્યું છે અને માલધારી સમાજની કળાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની તક મળી છે.

‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવના સાથે ભારતીય કારીગરીનું પ્રદર્શન

FLAPPER6ના કો-ફાઉન્ડર શૈલેષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, લંડન ફેશન વીકમાં વિવિધ મોડેલોએ પહેરેલાં 25 જેટલાં ડિઝાઇનર વસ્ત્રો ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને સમકાલીન ડિઝાઇન સાથે જોડીને આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં નવી ઓળખ સ્થાપિત કરવાનો તેમનો પ્રયાસ હતો. વસ્ત્રોની ડિઝાઇન અને ગુણવત્તામાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સોનલ દેસાઈ અને શૈલેષ દેસાઈના નેતૃત્વ હેઠળ FLAPPER6એ પરંપરા અને આધુનિકતાના સંગમ દ્વારા ગુજરાતની હસ્તકલાને વૈશ્વિક ફેશનના મંચ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ સિદ્ધિ માત્ર એક ફેશન બ્રાન્ડની સફળતા નથી, પરંતુ માલધારી સમાજની મહિલાઓની કારીગરી, આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવતી ગૌરવપૂર્ણ સફર પણ છે. રબારી ભરતકામની સોયમાં પરોવાયેલી પરંપરા હવે વૈશ્વિક ફેશનના તાંતણે જોડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *