લંડનના નીસડન મંદિરમાં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નો શુભારંભ

Spread the love

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ઉદ્ઘાટન: ડિજિટલ યુગમાં નવી પેઢીને ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃત ભાષા સાથે જોડતી BAPS ની અનોખી પહેલ

લંડન

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે નવી પેઢીનું ધ્યાન મોબાઇલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી તરફ સતત વધતું જાય છે, ત્યારે બ્રિટનની ધરતી પર બાળકો અને યુવાનોને પ્રાચીન તેમજ સમૃદ્ધ સંસ્કૃત ભાષાના અભ્યાસ તરફ પ્રેરિત કરતી એક આદર્શ પહેલ સાકાર થઈ છે. આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ, શાસ્ત્રજ્ઞાન અને આધ્યાત્મિક વારસાનું જતન થાય તેવા ઉમદા ઉદ્દેશથી, બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે રવિવાર, ૧૧ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.

મહંત સ્વામી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો

આ પાઠશાળાના પ્રારંભ પાછળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો વિશેષ સંકલ્પ જોડાયેલો છે. ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ‘સત્સંગદીક્ષા સન્માન મહોત્સવ’ દરમિયાન તેમણે ખાસ પત્ર લખીને લંડન વિચરણ દરમિયાન મંદિરમાં એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉદ્ઘાટન સાથે જ તેમનો સંકલ્પ સાકાર થયો છે, જે બ્રિટનમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધનની દિશામાં એક મજબૂત સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

સંસ્કૃત અને શાસ્ત્ર-અધ્યયનની ગૌરવશાળી પરંપરા

આ પ્રસંગે મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્કૃત ભાષા તથા શાસ્ત્ર-અધ્યયનની ઉજ્જવળ પરંપરાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી જ સંસ્કૃતમાં શાસ્ત્રોની રચના થતી આવી છે. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતના અભ્યાસને નિરંતર પ્રોત્સાહિત કર્યો હતો. આ નવી પાઠશાળા તે આધ્યાત્મિક વારસાને આગળ ધપાવશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, લંડનનાં બાળકો, કિશોરો અને યુવક-યુવતીઓ માત્ર સંસ્કૃત શીખે જ નહીં પરંતુ સંસ્કૃતમાં દૈનિક વાતચીત કરતા થાય તેવી પ.પૂ. મહંત સ્વામી મહારાજની ભાવના છે. આ સંસ્થાનું ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’ નામકરણ પણ મહંત સ્વામી મહારાજે સ્વયં કર્યું છે, જેને ઉપસ્થિત હરિભક્તોએ હર્ષનાદથી વધાવી લીધું હતું.

૩૫૦થી વધુ બાળ-યુવા વિદ્વાનોનો ઉત્સાહ

ઉદ્ઘાટન સમારોહમાં બાળ અને યુવા વિદ્વાનોએ સંસ્કૃત ભાષામાં સંવાદ રજૂ કરીને મહંત સ્વામી મહારાજના પેરિસ અને લંડનના વિચરણના પ્રસંગો યાદ કર્યા હતા. વિશેષ નોંધનીય છે કે, પાઠશાળાના ઔપચારિક આરંભ પહેલાં જ આશરે ૩૫૦ જેટલા બાળ-યુવાનો સંસ્કૃતના અભ્યાસમાં જોડાયેલા હતા, જે નવી પેઢીમાં સંસ્કૃત પ્રત્યેનો લગાવ દર્શાવે છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વૈદિક વિધિ અનુસાર અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઉદ્ઘાટન તકતીનું પૂજન કરી મંગલદીપ પ્રગટાવ્યો હતો. આ તકે તેમણે સંસ્કૃત ભાષામાં જ આશીર્વચન પાઠવીને સૌને સંસ્કૃત અભ્યાસ માટે પ્રેરણા આપી હતી. લંડનના નીસડન મંદિરમાં શરૂ થયેલી આ પાઠશાળા સંસ્કૃત શિક્ષણના ક્ષેત્રમાં એક નવો અધ્યાય આલેખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *