વડનગર અને ધારપુર-પાટણની હોસ્પિટલોમાં AI ટેકનોલોજીથી સજ્જ 1.5 ટેસ્લા MRI સિસ્ટમ શરૂ; દર્દીઓને સ્થાનિક સ્તરે સચોટ નિદાન અને સારવારમાં મળશે મદદ
ગાંધીનગર
ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવાના હેતુથી વડનગરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા પાટણના ધારપુર ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અત્યાધુનિક MRI સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બંને હોસ્પિટલમાં આ સુવિધા જનતા માટે ખુલ્લી મૂકી હતી. રાજ્યની કુલ 14 સરકારી હોસ્પિટલોમાં રૂ. 178 કરોડના ખર્ચે MRI મશીનો સ્થાપિત કરવાની યોજના અંતર્ગત આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના દર્દીઓને ઘરઆંગણે મળશે આધુનિક નિદાનની સુવિધા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વડનગર અને પાટણમાં MRI સુવિધા શરૂ થવાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને સચોટ નિદાન માટે દૂરનાં શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે. તેનાથી દર્દીઓનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે તથા બીમારીઓનું વહેલું નિદાન કરીને સમયસર સારવાર શરૂ કરવામાં મદદ મળશે.
વડનગરની હોસ્પિટલ વર્ષ 2017થી મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી વાઈડ બોર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ 1.5 ટેસ્લા MRI સિસ્ટમથી મગજ, કરોડરજ્જુ, કેન્સર અને વિવિધ ન્યુરોલોજીકલ સમસ્યાઓનું વધુ સચોટ નિદાન કરવામાં મદદ મળશે.
વાઈડ બોર અને AI ટેકનોલોજીથી દર્દીઓને વધુ આરામ
નવી MRI સિસ્ટમમાં 70 સેન્ટિમીટરનો પહોળો બોર આપવામાં આવ્યો છે. સામાન્ય MRI મશીનની તુલનામાં વધુ જગ્યા હોવાથી તપાસ દરમિયાન સાંકડી જગ્યાનો ભય અથવા ગભરામણ અનુભવતા દર્દીઓને રાહત મળી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને વધુ વજન ધરાવતા દર્દીઓ માટે આ સુવિધા વધુ આરામદાયક બની રહેશે.
સીમેન્સ કંપનીની AI આધારિત ટેકનોલોજીથી MRI તપાસની પ્રક્રિયા અને રિપોર્ટિંગ વધુ ઝડપી તથા સચોટ બનાવવામાં મદદ મળશે. મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર, ખાનગી કેન્દ્રોમાં MRI તપાસ માટે સામાન્ય રીતે રૂ. 3,000થી રૂ. 10,000 સુધીનો ખર્ચ થતો હોય છે. સરકારી હોસ્પિટલમાં આ સુવિધા સરકારી નિયમો અનુસાર અને PM-JAY યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહતદરે ઉપલબ્ધ થશે.
ધારપુર સિવિલ હોસ્પિટલથી પાટણ ઉપરાંત આસપાસના જિલ્લાઓને લાભ
પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ પાટણ જિલ્લાની અંદાજે 13.5 લાખની વસ્તી ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છના દર્દીઓ માટે પણ મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર છે. હોસ્પિટલમાં દરરોજ અંદાજે 1,000થી 1,200 દર્દીઓની ઓપીડી રહે છે અને દર મહિને લગભગ 150થી 200 દર્દીઓને MRI તપાસની જરૂર પડે છે.
SRESTHA-G કાર્યક્રમ હેઠળ ઉપલબ્ધ થયેલી નવી MRI સિસ્ટમ ધારપુરની 770 બેડની હોસ્પિટલની નિદાન ક્ષમતામાં વધારો કરશે. આ ઉપરાંત, હોસ્પિટલમાં આઈ બેંક, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી વિશિષ્ટ તબીબી સેવાઓ સાથે આધુનિક નિદાન સુવિધા ઉમેરાતાં મેડિકલ વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમમાં પણ મદદ મળશે.
આરોગ્ય અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વડનગર ખાતે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
