એકતાનગરમાં રોશનીનો જાદુઈ મહોત્સવ: ‘એકતા પ્રકાશ પર્વ-2026’માં ભારતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસની ઝાંખી

Spread the love

7.6 કિલોમીટરના વિસ્તારમાં 17 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધી પ્રકાશોત્સવનું આયોજન; ઇન્ડોરના ચાર પ્રાદેશિક ઝોન અને આઉટડોરના 11 મુખ્ય સેક્શન બનશે પ્રવાસીઓ માટે આકર્ષણ

એકતાનગર:

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સમૃદ્ધ વારસો, રાષ્ટ્રીય ગૌરવ અને આધુનિક વિકાસને પ્રકાશની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા રજૂ કરતો ‘એકતા પ્રકાશ પર્વ-2026’ 17 ઓક્ટોબર, 2026થી 15 જાન્યુઆરી, 2027 સુધી યોજાશે. ગત વર્ષે પ્રથમ વખત યોજાયેલા આ પ્રકાશોત્સવને મળેલા પ્રતિસાદને પગલે આ વર્ષે ત્રણ મહિના સુધી તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત લાઇટિંગ અને ઇલ્યુમિનેશન પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ ઉત્સવનો હેતુ રાષ્ટ્રીય એકતા દિવસ, ભારત પર્વ અને દીપોત્સવીના ઉત્સાહને વધુ યાદગાર બનાવવાનો છે. ભારતના સાંસ્કૃતિક વારસાથી લઈને મહિલા સશક્તિકરણ, રાષ્ટ્રીય સુરક્ષા, અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સુધીનાં વિવિધ વિષયોને પ્રકાશની રચનાઓ દ્વારા જીવંત કરવામાં આવશે.

ઇન્ડોર વિભાગમાં ભારતની ચાર પ્રાદેશિક સંસ્કૃતિઓનો સંગમ

એકતા પ્રકાશ પર્વને ઇન્ડોર અને આઉટડોર એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ઇન્ડોર વિભાગમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર ઝોન દ્વારા દેશની વિવિધ સંસ્કૃતિઓ, લોકકલા, સ્થાપત્ય, હસ્તકલા અને પરંપરાઓની ઝાંખી રજૂ થશે.

ઉત્તર ઝોનમાં કાશ્મીરની શાલ, પંજાબના ભાંગડા-ગિદ્દા, ઉત્તર પ્રદેશની ગંગા આરતી અને રામ મંદિર તથા રાજસ્થાનના હવા મહેલ અને કઠપૂતળી કલા આકર્ષણ બનશે. પૂર્વ ઝોનમાં આસામના બિહુ, કાઝીરંગા, ઓડિશાની કોણાર્ક સ્થાપત્યકલા અને રથયાત્રા તેમજ બંગાળના સાંસ્કૃતિક પ્રતીકો રજૂ કરાશે.

પશ્ચિમ ઝોનમાં ગુજરાતના ગરબા, પતંગોત્સવ, કચ્છની હસ્તકલા, રાણી કી વાવ અને સાબરમતી આશ્રમ સાથે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લા, મુંબઈની લોકલ ટ્રેનો અને મરીન ડ્રાઇવની ઝાંખી જોવા મળશે. દક્ષિણ ઝોનમાં મીનાક્ષી મંદિર, સ્વામી વિવેકાનંદ સ્મારક, હમ્પી, કેરળની બોટ રેસ અને દક્ષિણ ભારતની આધ્યાત્મિક પરંપરાઓ રજૂ કરવામાં આવશે.

આઉટડોરના 11 સેક્શનમાં રાષ્ટ્રીય ગૌરવથી અવકાશ વિજ્ઞાન સુધી

આઉટડોર વિભાગમાં 11 મુખ્ય થીમ આધારિત સેક્શન તૈયાર કરવામાં આવશે. ‘ભારત—સોને કી ચીડિયા’ વિભાગમાં વંદે માતરમ, રાષ્ટ્રીય પક્ષી મોર અને કમલ સ્તંભ જેવી પ્રતીકાત્મક રચનાઓ ભારતના ગૌરવને ઉજાગર કરશે. ‘સમય કા ચક્ર’માં પ્રાચીન ભારતથી આધુનિક ભારત સુધીની વિકાસયાત્રા, પંચતત્વ અને ગિફ્ટ સિટી જેવા વિષયો રજૂ થશે.

પ્રકાશિત મૂર્તિઓ, અરીસાઓથી સજ્જ દીપ સુરંગ, રંગબેરંગી ફુગ્ગાઓ અને પ્રકાશિત પુષ્પોના ગાર્ડન પ્રવાસીઓને અનોખો દૃશ્યાત્મક અનુભવ કરાવશે. યોગ અને સૂર્યનમસ્કારની થીમ ભારતીય પરંપરાને આધુનિક પ્રકાશકલા સાથે જોડશે.

મહિલા સશક્તિકરણ વિભાગમાં મહિલાઓની સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને ઉજાગર કરવામાં આવશે. ‘આધુનિક ભારત’ વિભાગમાં ઔદ્યોગિક પ્રગતિ અને ટેકનોલોજીનું પ્રદર્શન થશે, જ્યારે ‘ધાગો કી સુરંગ’માં પરંપરાગત દોરા કળા અને હસ્તકલાને કલાત્મક સ્વરૂપ આપવામાં આવશે.

ભારતીય સેનાની ત્રણેય પાંખ, પોલીસ, BSF અને CISFને સમર્પિત વિભાગમાં સુરક્ષા દળોની શક્તિ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવના રજૂ કરાશે. અવકાશ અને ટેકનોલોજી વિભાગમાં ગ્રહો તથા બ્રહ્માંડ આધારિત રચનાઓ અને બાળકો માટેના વિભાગમાં વિવિધ પ્રાણીઓ, મશરૂમ તથા જળચર દુનિયાની કલાત્મક ઝાંખી જોવા મળશે.

7.6 કિલોમીટર સુધી રોશની, ડેમનો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ આકર્ષણ

એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગ સહિત આશરે 7.6 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ, ગેન્ટ્રી મોટિફ, થીમ આધારિત આર્ટિકલ્સ અને પ્રકાશિત સજાવટ કરવામાં આવશે. માર્ગ પરની ઇમારતો અને વૃક્ષોને પણ રોશનીથી શણગારવામાં આવશે.

આ ઉપરાંત, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલો ડાયનેમિક લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે, જેને ડેમ વ્યૂ-પોઇન્ટ-1 પરથી નિહાળી શકાશે. દિવસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રકૃતિની ભવ્યતા માણ્યા બાદ રાત્રે ઝળહળતા એકતાનગરનો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બનશે.

ત્રણ મહિના ચાલનારો ‘એકતા પ્રકાશ પર્વ-2026’ ભારતની સાંસ્કૃતિક એકતા, પરંપરા અને આધુનિક વિકાસને એક જ મંચ પર રજૂ કરવાની સાથે એકતાનગરના પ્રવાસન આકર્ષણમાં નવો ઉમેરો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *