સાંધા પ્રત્યારોપણ ક્ષેત્રના વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર આવશે; 1,000થી વધુ ડેલિગેટ્સ અને 150થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લેશે ભાગ, 25 વૈજ્ઞાનિક સત્રોનું આયોજન
અમદાવાદ
સાંધા પ્રત્યારોપણ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) સર્જરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી, રોબોટિક્સ અને આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અંગે જ્ઞાનના આદાનપ્રદાન માટે અમદાવાદમાં ‘IAACON 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન (IAA)ની 22મી વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ ત્રિદિવસીય કોન્ફરન્સ 23થી 25 ઓક્ટોબર દરમિયાન ક્લબ O7 રોડ સ્થિત ‘ધ ફોરમ કન્વેન્શન’ ખાતે યોજાશે. તેમાં દેશ-વિદેશના 1,000થી વધુ ડેલિગેટ્સ અને 150થી વધુ નિષ્ણાત ફેકલ્ટી ભાગ લેશે.
‘રોબોટિક્સ, કિનેમેટિક્સ અને ઇનોવેશન’ પર વિશેષ ભાર
‘ઇવોલ્વિંગ આર્થ્રોપ્લાસ્ટી – રોબોટિક્સ, કિનેમેટિક્સ એન્ડ ઇનોવેશન’ થીમ પર આધારિત આ કોન્ફરન્સમાં સાંધા પ્રત્યારોપણની સર્જરીમાં થઈ રહેલા આધુનિક ફેરફારો અને ટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન 25 ઇન્ટરેક્ટિવ વૈજ્ઞાનિક સત્રો, આશરે 30 સર્જિકલ વીડિયો, નિષ્ણાતોની પેનલ ચર્ચા અને વિવિધ વર્કશોપ યોજાશે.
કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક-સહાયિત સર્જરી, સર્જિકલ નેવિગેશન, જટિલ સાંધાના ચેપ અને સાંધા પ્રત્યારોપણ બાદ હાડકાંમાં થતા ફ્રેક્ચર જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતો પોતાના અનુભવો અને સંશોધન રજૂ કરશે. આ ઉપરાંત, ડૉ. એચ.પી. ભાલોડિયા દ્વારા ‘ઇન્ટેલિજોઇન્ટ ટેકનોલોજી’ આધારિત એઆઈ-સહાયિત ટોટલ હિપ રિપ્લેસમેન્ટ અંગે વિશેષ સત્ર રજૂ કરવામાં આવશે.
IAAના ઇતિહાસમાં પ્રથમ વિશાળ કક્ષાની કેડેવરિક વર્કશોપ
આ કોન્ફરન્સનું મુખ્ય આકર્ષણ 22 ઓક્ટોબરે બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે યોજાનારી કેડેવરિક વર્કશોપ રહેશે. ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ વિશાળ કક્ષાની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપમાં 12 કેડેવરિક સ્પેસિમેન્સ એટલે કે માનવ દેહના નમૂનાઓના માધ્યમથી વિવિધ સર્જિકલ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવશે. તેમાં ડાયરેક્ટ એન્ટેરિયર એપ્રોચ હિપ રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડિલર ની આર્થ્રોપ્લાસ્ટી, ટોટલ ની આર્થ્રોપ્લાસ્ટી અને રિવર્સ શોલ્ડર આર્થ્રોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના 10 આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો આ વર્કશોપમાં ભાગ લેશે. આ કાર્યક્રમ તબીબી નિષ્ણાતો અને સર્જનોને પ્રાયોગિક તાલીમ તથા આધુનિક સર્જિકલ તકનીકો સમજવાની તક પૂરી પાડશે.
સંશોધન, શૈક્ષણિક ચર્ચા અને નિષ્ણાત વ્યાખ્યાન
IAACON 2026માં સર્જિકલ નિર્ણયો લેવામાં માર્ગદર્શનરૂપ બને તેવા ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનના સર્વસંમતિ દસ્તાવેજ (કોન્સેન્સસ ડોક્યુમેન્ટ)ને પણ સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત, સી.એસ. રાણાવત ગોલ્ડ મેડલ સ્પર્ધામાં શ્રેષ્ઠ બે સંશોધન પેપર પસંદ કરવામાં આવશે. ડૉ. પરાગ સંચેતી સી.એસ. રાણાવત મેમોરિયલ વ્યાખ્યાન રજૂ કરશે.
કોન્ફરન્સના આયોજક સચિવ ડૉ. ધીરજ મરોઠી જૈન પણ આયોજનની નેતૃત્વ ટીમમાં સામેલ રહેશે. કોન્ફરન્સનો હેતુ ઓર્થોપેડિક સર્જનો, પોસ્ટ-ગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ અને લાયક તબીબી વ્યાવસાયિકો વચ્ચે જ્ઞાનનું આદાનપ્રદાન વધારવાનો તેમજ આર્થ્રોપ્લાસ્ટીના ક્ષેત્રમાં નવીન સંશોધન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે.
રસ ધરાવતા ડેલિગેટ્સ સત્તાવાર IAACON 2026 રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા નોંધણી કરાવી શકશે. સ્થળ પર સ્પોટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
