એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયું ‘રેઇન ફોરેસ્ટ’, PM મોદી કરશે લોકાર્પણ

Spread the love

220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ; પશ્ચિમ ઘાટ, હિમાલય, આંદામાન-નિકોબારની સદાબહાર વનસ્પતિ એક સ્થળે નિહાળવાની તક

ગાંધીનગર

ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીને કારણે વૈશ્વિક પ્રવાસનના નકશા પર આગવું સ્થાન ધરાવતા એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. પ્રકૃતિ, મનોરંજન અને પર્યાવરણના અભ્યાસનો સમન્વય ધરાવતો આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે.

ભારતના વિવિધ પ્રદેશોની વનસ્પતિનો એક જ સ્થળે અનુભવ

એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલા રેઇન ફોરેસ્ટમાં ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આના કારણે પ્રવાસીઓને દેશના વિવિધ ભૌગોલિક પ્રદેશોની વનસ્પતિ અને કુદરતી વિવિધતાને એક જ સ્થળે નિહાળવાની તક મળશે.

આ પ્રોજેક્ટનો હેતુ માત્ર પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવવાનો જ નથી, પરંતુ તેમને ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણનું મહત્ત્વ સમજાવવાનો પણ છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આ સ્થળ પર્યાવરણના અભ્યાસનું વિશિષ્ટ કેન્દ્ર બની શકે છે.

220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક બનશે આકર્ષણનું કેન્દ્ર

રેઇન ફોરેસ્ટનું મુખ્ય આકર્ષણ આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ હશે. આ ગ્લાસ વૉક-વે પરથી ચાલતાં પ્રવાસીઓને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને એક અલગ જ દૃષ્ટિકોણથી નિહાળવાનો અનુભવ મળશે.

આ ઉપરાંત, અહીં 5થી 8 મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ, સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો પણ બનાવવામાં આવ્યા છે. પ્રાકૃતિક પથ્થરોથી તૈયાર કરાયેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર સ્થળની વિશેષ ઓળખ બનશે.

પ્રવાસીઓની અવરજવર માટે નર્મદાના પથ્થરો તથા ઈંટ-ચૂનાથી વૉકિંગ ટ્રેલ્સ બનાવવામાં આવ્યા છે. વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટનાં વિવિધ સ્તરોને દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ મુલાકાતીઓને જંગલના વાતાવરણનો અનુભવ કરાવશે.

માહિતી કેન્દ્રથી મળશે પર્યાવરણ અંગેની જાણકારી

પ્રવાસીઓને વરસાદી જંગલોની ઇકોસિસ્ટમ અને જૈવવિવિધતા વિશે માહિતી આપવા માટે અહીં વિશેષ ઇન્ફોર્મેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડ દ્વારા મુલાકાતીઓ વનસ્પતિ, વન સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન વિશે જાણકારી મેળવી શકશે.

બાળકો માટેના પ્લે એરિયામાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, વિવિધ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી બાળકો માટે મનોરંજનની સાથે પ્રકૃતિને નજીકથી સમજવાની તક પણ ઊભી થશે.

ઇકો-ટુરિઝમ અને સ્થાનિક રોજગારીને મળશે વેગ

એકતા નગરમાં રેઇન ફોરેસ્ટની શરૂઆતથી ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન મળવાની સાથે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે. દેશના વિવિધ પ્રદેશોની વનસ્પતિને એક જ સ્થળે રજૂ કરતો આ પ્રોજેક્ટ પ્રકૃતિપ્રેમીઓ અને સંશોધકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

પર્યાવરણ સંરક્ષણ, જૈવવિવિધતા અંગે જાગૃતિ અને જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે તૈયાર થયેલું રેઇન ફોરેસ્ટ એકતા નગરના પ્રવાસન આકર્ષણોમાં નવો ઉમેરો કરશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિતનાં સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને હવે પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવવાનો એક નવો વિકલ્પ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *