માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો પાંચમો દિવસઃ શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે માખણચોર બાળ કનૈયાની નટખટ હરકતોથી લઈને ગામજનોને વરૂણના પ્રકોપથી બચાવવા ગોવર્ધનને ઊંચકવાના બહાદૂરીભર્યા ચમત્કારિક પ્રસંગો વર્ણવ્યા
હરિદ્વાર
ભાગવદમાં કૃષ્ણલીલાનું સુંદર આલેખન કરાયું છે. નટખટ માખણચોર કૃષ્ણ અને ગોપીઓના અનેક પ્રેમની ભક્તિના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એવી ખુબી સાથે રજૂ કર્યા કે શ્રોતાઓને મોજ પડી ગઈ. કથા વાંચનની સાથો સાથો સુરમયી કેટલિક પ્રસ્તુતીઓએ ભાવિકોને સભાખંડમાં એકચિત્તે રાખ્યા. પાંચમા દિવસની સૌથી ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે આજે કોઈ વ્યક્તિ વિશેષનું સન્માન કરવાનું ન હોઈ કથાનો અવિરત પ્રવાહ મનમોહી લે એવો રહ્યો.
કનૈયા સામે ગોપીઓની ફરિયાદ
બાળ કનૈયો ગોપીઓની મટકીમાંથી-જરુર પ઼ડે તો મટકી ફોડીને પણ માખણ ચોરી જતો. કંટાળેલી ગોપીઓ રાવ લઈને યશોદા માતા પાસે જાય છે. માતા તેનો લાડકો આવું કરે એ માનવા તૈયાર નથી. ગોપીઓ માતાને પુરાવો આપવા કમર કસે છે પણ યશોદાનો જાયો ગોપીઓના તમામ પ્રયાસોને વિફળ બનાવે છે.
પુતના વધ અને કાળિયા નાગનું મર્દન
કૃષ્ણને નાથવા કંસ સૌ પહેલાં તેની બહેન પુતનાને નંદબાબાને ત્યાં મોકલે છે પણ માસી પુતનાનું સ્તન પાન કરીને કનૈયો તેમને મ઼ૃત્યુ શૈયા પર પહોંચાડી દે છે. ગામના તળાવનું પાણી પીને મોટી સંખ્યામાં ગાયોનાં મૃત્યું થાય છે અને એ પાણીમાંથી કાળિયાનાગને બહાર કાઢીને તેનું ઝેર દૂર કરીને કાનુંડો ગાયોને જીવતી કરે છે. આવા પ્રસંગોને શાસ્ત્રીજી સુંદર રીતે રજૂ કરે છે.
ગોવર્ધન પૂજન
ઈન્દ્ર પૂજનને બદલે પર્વત પૂજનની કૃષ્ણની જીદ અને પરિણામે ઈન્દ્ર દ્વારા વરૂણ દેવતાને મોકલીને ગોવર્ધનને વરસાદથી તબાહ કરવાનો પ્રયાસ કરાય છે ત્યારે ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઊંચકીને કૃષ્ણ ગામના લોકોને બચાવે તો છે જ વળી તેમને ગોવર્ધનની (પર્વત)ની પૂજા માટે જાતે પૂજા કરવા સાથે પ્રેરણા આપે છે, એ પ્રસંગમાંના ઊતાર-ચઢાવને શાસ્ત્રીજીએ દર્શકોના નજર સામે રમતી કરી દીધા હતા.
છપ્પનભોગ
ગોવર્ધન પૂજા બાદ છપ્પનભોગનું ખાસ મહત્વ છે. પંચાલ પરિવારે તો છપ્પનભોગની ટહેલ કરી અને અમદાવાદથી ખાસ આવેલા રાજુભાઈ રાજપૂત અને તેમના પરિવારે તો ભગવાનને કેરીનો મનોરથ ધરીને છપ્પનભોગને ભવ્ય બનાવી દીધો.
ગોવર્ધન પૂજનનાં સામૂહિક વધામણાં
પંચાલ પરિવારના દરેક સભ્યો ઉપરાંત તેમના મિત્રોએ ભાગવદ કથાને ભરપૂર માણી. ભક્તિભાવથી તેમના દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે…ને નીમેષ ત્રિવેદીએ ઉપાડ્યું અને તેમાં ઢોલ પર અજય ગડિયા તથા ટ્રમપેડ પર સંજય મહાજન (ગીરી)ના જોરદાર તાલ પર પરિવાર અને મિત્રગણ જોરદાર ઝૂમ્યા હતા તેના પરથી તેમની મોજ જોવા મળી. આ દરમિયાન પંડિત યોગેશ શુક્લ પણ કૃષ્ણભક્તિમાં તલ્લીન થઈ ઝૂમ્યા હતા.
