આણંદ
અમદાવાદના બે ટેબલ ટેનિસ ખેલાડી ચિત્રાક્ષ ભટ્ટ અને ધૈર્ય પરમાર હાલ પુરુષ વર્ગની રાજ્ય રેન્કિંગમાં ટોપ પર છે. બંનેએ એક-એક રાજ્ય રેન્કિંગ ટૂર્નામેન્ટ જીતી છે. હવે આ બન્ને ખેલાડીઓ વચ્ચેનો નિર્ણય આગામી રોટોમેગ ત્રીજી ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં આવશે, જે 10થી 13 જુલાઈ દરમિયાન યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બાકરોલ, આણંદ ખાતે યોજાશે. આ સ્પર્ધાનું આયોજન આણંદ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન (એડીટીટીએ) દ્વારા ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.
આ ટૂર્નામેન્ટ માટે કુલ 721 એન્ટ્રીઓ મળી છે. ખાસ કરીને અંડર-9 કેટેગરીમાં 37 એન્ટ્રીઓ મળી છે, જ્યારે પહેલી રાજ્ય રેન્કિંગમાં આ સંખ્યા 27 હતી.
પ્રમુખ મહિલા ખેલાડીઓ જેમકે ઓશીકી જોઅરદાર, રાધાપ્રિયા ગોયલ અને ફ્રેનાઝ ચિપિયા પણ ટાઇટલ માટે હરીફાઈ કરશે. યુવા કેટેગરીમાં રિયા જયસવાલ, પ્રથા પવાર, મોબોની ચેટરજી, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોડીલ અને દેવ ભટ્ટ પણ કવાયત કરશે. સ્થાનિક પ્રેક્ષકોની આશા પૃષા પંડ્યા (અંડર-11 ગર્લ્સ) અને અવિ પટેલ (અંડર-9 બોયઝ) પર રહેશે.
કાંતિભાઈ ભુવા, એડીટીટીએના પ્રમુખ અને જીએસટીટીએના ઉપપ્રમુખે જણાવ્યું કે 2021 પછી આણંદમાં ફરી એકવાર રાજ્ય રેન્કિંગ ટૂર્નામેન્ટનું આયોજન થયું છે. “ત્રણ વર્ષ બાદ આણંદમાં આવી મોટી સ્પર્ધા આવી છે અને તેને સફળ બનાવવા માટે અમે કોઈ કસર છોડસું નહીં.”
આ ટૂર્નામેન્ટ માટે 10 ટેબલ્સનો ઉપયોગ કરવામાં આવશે અને 24 અનુભવી ટેકનિકલ અધિકારીઓની ટીમ તેને સંચાલિત કરશે.
