આણંદ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને આણંદ ડિસ્ટ્રિક્ટટ ટેબલ ટેનિસ એસોસિયેશન (એડીટીટીએ)ના ઉપક્રમે 10 થી 13મી જુલાઈ દરમિયાન અહીંના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (બાકરોલ, આણંદ) ખાતે યોજાયેલી રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ગાંધીનગરની રાધાપ્રિયા ગોયેલે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરીને વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં અમદાવાદની ઓઇશિકી જોઅરદારને 4-1થી હરાવી હતી.
આ સફળતા સાથે રાધાપ્રિયાએ અગાઉ ગાંધીધામ ખાતે યોજાયેલી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ઓઇશિકી સામે થયેલા પરાજયનો બદલો લઈ લીધો હતો.
રાજકોટના દેવ ભટ્ટે ગાંધીધામની સફળતાનું પુનરાવર્તન કરીને આણંદમાં પણ બેવડી સિદ્ધિ હાંસલ કરતા અંડર-15 અને અંડર-17 ટાઇટલ પોતાના નામે કરી લીધા હતા. તેણે અંડર-15માં અમદાવાદના દ્વિજ ભાલોડિયા અને અંડર-17ની ફાઇનલમાં કચ્છના ધ્રુવ ભાંભાણીને હરાવ્યો હતો.
બેવડી સિદ્ધિ હાંસલ કરનારી અન્ય પેડલર અમદાવાદની પ્રથા પવાર હતી. તેણે અંડર-19 અને અંડર-17 ગર્લ્સ ફાઇનલમાં અનુક્રમે નવસારીની સિદ્ધિ બલસારા અને સુરતની દાનિયા ગોડીલને હરાવી હતી.
ભાવનગરની બીજા ક્રમની ચાર્મી ત્રિવેદીએ થોડા સંઘર્ષને અંતે સુરતની વિશ્રુતિ જાદવને 3-2થી હરાવીને ગર્લ્સ અંડર-15 ટાઇટલ જીતી લીધું હતું.
અંડર-13 ગર્લ્સમાં મોખરાના ક્રમની અમદાવાદી ખનક શાહે ત્રીજા ક્રમની ધિમહી કાબરાવાલા સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો. વર્તમાન સિઝનમાં આ તેનું બીજું ટાઇટલ હતું.
બોયઝ અંડર-11ની ફાઇનલમાં બીજા ક્રમના નક્ષ પટેલે મોખરાના ક્રમના રેહાંશ સિંઘવીને 3-1 હરાવ્યો હતો તો ગર્લ્સ વિભાગમાં બીજા ક્રમની દિવ્યા પટેલે ફાઇનલમાં મોખરાના ક્રમની મિક્ષા લાખાણીને 3-1થી હરાવી હતી.
બોયઝ અંડર-9 ફાઇનલમાં ભાવનગરના બીજા ક્રમના રાઘવ દવે માટે મુકાબલો આસાન રહ્યો હતો કેમ કે તેણે ત્રીજા ક્રમના તનુષ ખિંદરીને 3-0થી હરાવ્યો હતો તો ગર્લ્સ ફાઇનલમાં કચ્છની યાના સિંઘવીએ તેના જ શહેરની અને બીજા ક્રમની અવિશી જૂનને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
ફાઇનલના પરિણામોઃ
વિમેન્સઃ રાધાપ્રિયા ગોયેલ જીત્યા વિરુદ્ધ ઓઇશિકી જોઅરદાર 11-9, 11-7, 7-11, 11-9, 11-9
અંડર-19 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ સિદ્ધિ બલસારા 11-8, 11-9, 9-11, 11-8, 16-18, 11-3
અંડર-17 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ દાનિયા ગોડીલ 2-11,11-7,11-4, 11-6
અંડર-15 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 6-11,11-3,11-6,11-8
અંડર-15 ગર્લ્સઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિશ્રુતિ જાદવ 3-11, 11-4, 12-10, 7-11, 11-9
અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભંભાણી 11-9,11-7,11-8
અંડર-13 ગર્લ્સઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 11-9,11-1,11-7
અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ રેહાંશ સિંઘવી 8-11,11-5,11-6, 11-4
અંડર-11 ગર્લ્સઃ દિવ્યા પટેલ જીત્યા વિરુદ્ધ મિક્ષા લાખાણી 5-11,11-7,12-10,13-11
અંડર-9 બોયઝઃ રાઘવ દવે જીત્યા વિરુદ્ધ તનુષ ખિંદરી 11-6,11-6,11-8
અંડર-9 ગર્લ્સઃ યાના સિંઘ જીત્યા વિરુદ્ધ અવિશી જૂન 8-11,11-7,9-11,11-3,11-8
