આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે GCRI ખાતે રૂ. ૪૪ કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ**કેન્સરના ચોકસાઈપૂર્ણ નિદાન અને સારવાર ક્ષેત્રે ગુજરાતનું મોટું કદમ; દર્દીઓને વિશ્વ કક્ષાની સુવિધા મળશે**
અમદાવાદ
અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ન્યૂક્લિયર મેડિસિન વિભાગમાં અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના થકી રાજ્યના આરોગ્ય વિભાગ તથા ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), મેડિસિટી, અમદાવાદ ખાતે મહત્વપૂર્ણ સુવિધા ઉમેરાઈ છે. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શના વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં સારવાર લેવા માટે આવે છે. ત્યારે ભારતભરના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે. તેમણે નાગરિકોની સુખાકારી માટે આરોગ્ય વિભાગના કર્મયોગીઓની કર્મનિષ્ઠાને પણ બિરદાવી હતી.
આરોગ્ય રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે જામનગરમાં સંશોધન કેન્દ્ર શરૂ કરાયુ છે તેમણે આયુર્વેદ અનુસાર, દરેક માનવીનું શરીર અને સ્વભાવ ત્રણ મુખ્ય તત્વો – વાત, પિત્ત અને કફ – ના સંતુલન પર આધારિત છે તેમ જણાવી આહાર વિહાર બાબતે વિગતે જણાવ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે કેન્સરની સારવારની અદ્યતન ટેકનોલોજી દ્વારા અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું દેશમાં પ્રથમ વાર શરૂ કરવામાં આવ્યા છે, જે દર્દીઓ માટે વધુ અસરકારક નિદાન અને સારવાર માટે મદદરૂપ બનશે. આ મશીનોનો ઉદ્દેશ્ય કેન્સર અને અન્ય રોગોના નિદાન માટે વધુ આધુનિક અને ઝડપી તકનીક ઉપલબ્ધ કરાવવાનો છે તેમ જણાવી આગામી સમયમાં નાગરિકોને ઉત્તમ કક્ષાની આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર હંમેશાં પ્રયાસરત રહેશે તેમ જણાવ્યું હતું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત GCRI દ્વારા કેન્સર જેવા જટિલ રોગની અદ્યતન સારવાર અને તેના ચોકસાઈપૂર્ણ નિદાન માટે આ સુવિધાનો શુભારંભ કરી ન્યુક્લિયર મેડિસિન ક્ષેત્રમાં એક નવીનતમ પગલું ભરવામાં આવ્યું છે. આ અદ્યતન મશીનો પાછળ મોટું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં પેટ-સીટી (PET-CT) મશીન રૂ. ૨૬ કરોડના ખર્ચે તથા સ્પેક્ટ-સિટી (SPECT-CT) મશીન રૂ. ૧૮ કરોડના ખર્ચે વસાવવામાં આવ્યું છે. આ કુલ રૂ. ૪૪ કરોડના ખર્ચમાં મશીનોની ૧૦ વર્ષ સુધીની કોમ્પ્રિહેન્સિવ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (CMC) અને જરૂરી સિવિલ વર્કનો પણ સમાવેશ થાય છે.
આ મહત્વપૂર્ણ વ્યવસ્થાથી કેન્સરના નિદાન તેમજ દર્દીને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી રહે તે માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. નવી પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી-કમ્પયુટેડ ટોમોગ્રાફી (PET-CT) સુવિધા લ્યુટીશીયમ આધારીત ક્રિસ્ટલ અને ૧૨૮ સ્લાઈસ CT જેવી અત્યંત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ મશીન કેન્સરના દર્દીઓ માટે એક ચોક્કસ સ્ટેજિંગનું નિદાન કરવામાં મદદરૂપ બને છે, જેના લીધે તેમને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી રહે છે.
ફંકશનલ અને એનાટોમિકલ ઈમેજિંગના આ સંયોજનથી દર્દી માટે સમયસર નિદાન, સારવાર માટેનું યોગ્ય આયોજન અને તેનાથી થતા પરિણામોને સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. સામાન્ય FDG PET-CT સ્કેન સિવાય, આ સુવિધામાં વિશિષ્ટ રેડિયોફાર્માસ્યુટિકલ્સના ઈન-હાઉસ ઉત્પાદન માટે ઓટોમેટેડ સિન્થેસાઈઝર મોડ્યુલ પણ છે, જેના દ્વારા હવે PSMA PET-CT (પ્રોસ્ટેટ કેન્સર માટે), DOTANOC PET-CT (ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરના બારીકાઈથી નિરીક્ષણ માટે) અને FAPI PET-CT (ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ ટ્યુમર અને પરંપરાગત રેડિયટ્રેસરથી સ્પષ્ટ ન દેખાતા મેલીગનન્સી માટે) જેવા પડકારરૂપ સ્કેન પણ શક્ય બનશે.
ન્યુક્લિયર મેડિસીન ક્ષેત્રે અન્ય સુવિધા જેવી કે સિંગલ ફોટોન એમિશન કમ્પ્યુટેડ ટોમોગ્રાફી-કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (SPECT-CT) નો પણ સમાવેશ થયેલ છે. આ ટેકનોલોજી ફંકશનલ અને એનાટોમિકલ ઈમેજિંગ બંનેને એક જ પ્રક્રિયામાં પૂરી પાડે છે, જે વિવિધ ચિકિત્સા ક્ષેત્રોમાં નિદાનની ચોકસાઈને વધારવામાં મદદરૂપ બને છે. આના દ્વારા MDP બોન સ્કેન, DTPA, DMSA તથા EC રેનલ સ્કેન (કિડની ફંકશન માટે), થાયરોઈડ સ્કેન, પેરાથાઈરોઈડ સ્કેન, MIBI કાર્ડિયાક સ્કેન, લંગ પરફ્યુઝન સ્કેન, મેકલ્સ સ્કેન, HIDA સ્કેન, લિવર સ્કેન અને GI બ્લીડ સ્કેન જેવા અનેક મહત્વપૂર્ણ સ્કેન કરી શકાશે. આ દ્વિતીય અદ્યતન વ્યવસ્થા આરોગ્ય ક્ષેત્રે તેમજ ગુજરાત રાજ્યમાં જ વિશ્વની સારામાં સારી સારવાર પૂરી પાડવા માટે કેન્સર હોસ્પિટલ દ્વારા સિદ્ધિનું સોપાન સર કરવામાં આવ્યું છે.
આ લોકાર્પણ સમારોહમાં જી.સી.આર.આઈ.ના ચેરમેન પંકજ પટેલ, ધી ગુજરાત કેન્સર સોસાયટીના જનરલ સેક્રેટરી ક્ષિતીશ મદનમોહન, સેક્રેટરી કૌશિક પટેલ તથા શ્રી દિવ્યેશ રાડિયા અને જી.સી.આર.આઈ.ના નિયામક ડૉ. શશાંક પંડયા સહિતના મહાનુભાવો અને સંસ્થાનો તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
