ગુજરાતની શાઈની ગોમ્સ ટોક્યો ડેફલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Spread the love

ગાંધીધામ

ગુજરાતની ટેલેન્ટેડ ડેફ ખેલાડી શાઈની ગોમ્સની 25માં ડેફલિમ્પિક માટેની ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં પસંદગી થઈ છે. આ ડેફલિમ્પિક જાપાનનાં ટોક્યો ખાતે 15 થી 26 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે.


આ ડેફલિમ્પિક શાઈની માટે સતત ત્રીજી સિઝન રહેશે. આ અગાઉ તેણે 2017 તુર્કીયે ગેમ્સ અને 2021 બ્રાઝિલ ગેમ્સ (કોવિડને લીધે 2022માં યોજાઈ હતી)માં ટીમની કેપ્ટન તરીકે ભાગ લીધો હતો.
28 વર્ષીય અમદાવાદી ખેલાડીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે ભારત માટે 2016માં તુર્કીયેના સામસુન ખાતે વર્લ્ડ ડેફ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી જ તે તમામ વખતે નેશનલ સ્કવૉડનો ભાગ રહી છે.
શાઈની ગોમ્સે પોતાની રમત કારકિર્દી પર વાત કરતા કહ્યું કે “3 ડેફલિમ્પિક્સ ઉપરાંત મે 2 વખત વર્લ્ડ ડેફ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અને 1 વખત ડેફ એશિયન ગેમ્સમાં ભાગ લેતા દેશ માટે મેડલ જીત્યા છે.”
ટોક્યો ડેફલિમ્પિક્સ માટે તૈયારીઓ વિશે વાત કરતા શાઈનીએ ટીમના આત્મવિશ્વાસ અને એકતા પર વિશ્વાસ દાખવતા કહ્યું કે,”ભારતનું મોટા સ્તરે વધુ એક વખત પ્રતિનિધિત્વ કરવું એ ગર્વની વાત છે. અમે 4 છોકરીઓ છેલ્લાં 2-3 વર્ષથી સાથે રમી રહ્યાં છીએ અને એકબીજા મજબૂત બોન્ડિંગ ધરાવીએ છીએ. અમે દેશ માટે મેડલ લાવવા માટે મક્કમ છીએ.”
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ)ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ શાઈની ગોમ્સની સાતત્યતા અને સમર્પણની પ્રશંસા કરતા તેને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે,”તેની મહેનત અજોડ છે. શાઈની છેલ્લાં ઘણાં વર્ષોથી આકરી મહેનત કરી રહી છે અને ડેફલિમ્પિક્સમાં રમવાની હેટ્રિક તેની પ્રતિબદ્ધતા અને ક્ષમતા દર્શાવે છે. જીએસટીટીએ શાઈનીને તેના તમામ ભાવિ અભિયાનમાં સમર્થન આપતું રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *