જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભઃ બેંકના ગ્રાહકો અને સહકારી મંડળીઓને ક્યુ-આર કોડ વિતરણ કરાયા, જીએસસી બેંકના ચેરમેન અજય પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદ
ગુજરાતના સહકાર મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં જીએસસી બેંકના યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ(ક્યુઆર કોડ) સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ (જીએસસી) બેંકના ચેરમેન અજય પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શ્રી વાઘાણીના હસ્તે જીએસસી બેંક અને એડીસી બેંકના ગ્રાહકો અને સહકારી મંડળીઓને ક્યુ-આર કોડ વિતરણ કરવામાં આવ્યા હતા.
સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે દેશમાં દરેક ક્ષેત્રે અવિરત વિકાસ થઈ રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા અનેકવિધ અભિયાનો દેશના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે સહકાર ક્ષેત્રે પણ આજે ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ થકી આજે સરકારી સેવાઓ, સહાયો અને સબસિડી સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે
સહકાર ક્ષેત્રે જીએસસી બેંકની સેવાઓને બિરદાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઊજવી રહ્યું છે ત્યારે સહકાર ક્ષેત્રે ડિજિટલાઇઝેશન અને ટેક્નોલોજીનો વ્યાપ વધારીને ગ્રાહકોને વધુને વધુ સારી સેવાઓ આપતા જીએસસી બેંકના નવીન પ્રકલ્પો અને સેવાઓ ખરેખર આવકારદાયક છે. જીએસસી બેંકની અનેકવિધ સેવાઓમાં આજે એક નવી સર્વિસનો ઉમેરો થઈ રહ્યો છે. સેવા સહકારી મંડળીઓ સુધી આજે ડિજિટલ સેવાઓ જીએસસી બેંક પહોંચાડી રહી છે.
સહકાર ક્ષેત્રે સતત સુવિધામાં વધારો, મેનપાવર માટે યોગ્ય તાલીમ, સાયબર સિક્યોરિટી અવેરનેસ અને ડિજિટલ સેવાઓના વ્યાપમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી આ બેન્ક ‘કો-ઓપરેશન અમોંગ કો-ઓપરેટિવ’ના મંત્રને સાકાર કરી રહી છે. સાથે જ, મંત્રી એ જીએસસી બેંકની વિવિધ સિદ્ધિઓને બિરદાવી હતી.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક(જીએસસી બેંક)ના ચેરમેન અજય પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રે અનેકવિધ નવીન પ્રકલ્પો અને ઉપક્રમો થકી સહકાર ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં સહકાર ક્ષેત્ર મહત્ત્વનો ભાગ ભજવશે. આજે સહકાર ક્ષેત્રે ડિજિટલાઇઝેશનનો વ્યાપ વધારીને સહકાર ક્ષેત્રેને મોડર્ન બનાવીને વધુને વધુ લોકોને સહકાર ક્ષેત્રે જોડવામાં આવી રહ્યા છે.
જીએસસી બેંકના યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસના શુભારંભ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠા આહિર, સહકાર વિભાગના રજિસ્ટ્રાર એમ.પી.પંડ્યા, જીએસસી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ તથા એનપીસીઆઈ અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
