અમદાવાદ

ઓપન ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતના પ્રિન્સ ગાંધી ચેમ્પિયન બન્યો હતો. છેલ્લા 9મા રાઉન્ડ પૂર્ણ થયા પછી, ગુજરાતના પ્રિન્સ ગાંધી (ELO 1786) એ 8 પોઇન્ટ મેળવીને ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પ્રિન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું. પ્રિન્સે છેલ્લા રાઉન્ડમાં રાજસ્થાનના ભવ્ય મૂળચંદાનીને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગુજરાતના અન્ય ખેલાડી કૃણાલ સોલંકી અને આર્યન અગ્રવાલે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું જેના કારણે તેઓ 8 પોઇન્ટ અને 7.5 પોઇન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. રાજસ્થાનના ભવ્ય મૂળચંદાની અને જિયાન ગોંડલિયા 7.5 પોઇન્ટ મેળવીને ચોથા અને પાંચમા સ્થાને રહ્યા.સ્પર્ધા સ્પોટર્સ ક્લબ ખાતે 26થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી.
૨૮.૧.૨૦૨૬ ના રોજ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં દેવ પટેલ (સેક્રેટરી, AICF અને પ્રમુખ, GSCA), ભાવેશ પટેલ (GSCA), નૈમેશ મારફતિયા (ઉપપ્રમુખ, સ્પોર્ટ્સ ક્લબ), ચિંતન ચોક્સી (સેક્રેટરી, સ્પોર્ટ્સ ક્લબ) અને રોનક મોદી (ખજાનચી, સ્પોર્ટ્સ ક્લબ) હાજર રહ્યા હતા. વિવિધ શ્રેણીઓના વિજેતાઓને ૪ લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ ૫૨૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ચેસના FIDE કાયદા દ્વારા કુલ ૯ રાઉન્ડ રમાયા હતા જેમાં ૩૦ મિનિટ અને મુવ ૧ થી ૩૦ સેકન્ડનો સમય નિયંત્રણ હતો.
