કામરેજમાં હિન્દુ મહિલાઓને ફસાવવાનું મોટું રેકેટ? આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી

Spread the love

સુરત

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ પરિણીત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનું મોટું રેકેટ ચાલતું હોવાના આક્ષેપો સાથે કામરેજ પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. આ ગંભીર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

કરજણ ગામના એક બ્રાહ્મણ પરિવારની પરિણીત મહિલા, જે બે સંતાનોની માતા છે, તેને બાજુના ઘલા ગામના એક મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે. પીડિત મહિલાના પતિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્નીનું બ્રેઈન વોશ કરી, લાલચ આપીને તેને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ એક સુનિયોજિત રેકેટ હોય તેમ જણાય છે. આરોપી યુવક દ્વારા વકીલ મારફતે પીડિત મહિલાના પતિને ધમકાવવામાં પણ આવ્યો છે. મેં આ અંગે સુરત જિલ્લા પોલીસ વડા (SP) સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને આખા રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી કડક પગલાં લેવા સૂચના આપી છે.”

કામરેજ પોલીસ હાલ આ મામલે મળેલી અરજીના આધારે વધુ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ધર્મ પરિવર્તન અને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓને વેગ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *