અમદાવાદ
ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ સમિતિના રી-સ્ટ્રક્ચરિંગ અંગેની આરોગ્યલક્ષી જાહેરાત કરી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા જણાવ્યું હતું કે, ભારત શહેરી આયુષ્માન આરોગ્ય મંદિરના કેન્દ્રો એ માત્ર સારવાર જ નહીં, પરંતુ Preventive, Curative, Promotive, Rehabilitative અને Palliative care પૂરી પાડતા મુખ્ય કેન્દ્રો બનશે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧થી ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ ની વસ્તી દીઠ એક ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ કાર્યરત કરવામાં આવ્યા છે, જે રાજ્યની આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે. અગાઉ સરકારશ્રી દ્વારા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગ્રામ્ય આરોગ્ય હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે જન આરોગ્ય સમિતિની રચના કરેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે હયાત રોગી કલ્યાણ સમિતિની પુનઃ રચના કરીને જન આરોગ્ય સમિતીની રચના કરવામાં આવેલ છે.
જન આરોગ્ય સમિતિનું માળખું
- સમિતિમાં જે-તે વિસ્તારના સ્થાનિક સંસ્થાના વોર્ડ સભ્ય અધ્યક્ષ તરીકે અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સભ્ય સચિવ તરીકે સેવા આપશે.
• જન આરોગ્ય સમિતિને સ્વાયત્તતા આપવા માટે વાર્ષિક ધોરણે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર -UPHC સ્તરે રૂ. ૧,૭૫,૦૦૦/- અને શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર -UAAM સ્તરે રૂ. ૧,૦૦,૦૦૦/- ના અનટાઈડ ફંડની જોગવાઈ કરવામાં આવી છે.
• મહિલા પ્રતિનિધિત્વ: સમિતિમાં ઓછામાં ઓછું ૫૦% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી માતૃ-બાળ કલ્યાણના મુદ્દાઓને અગ્રતા મળી શકે.
• સમિતિમાં SC/ST લઘુમતી સમુદાયો, વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.
• ખાસ આમંત્રિતોમાં ક્ષય (TB) ચેમ્પિયન્સ, કેન્સર સર્વાઈવર, દિવ્યાંગ વ્યક્તિઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને પણ ખાસ આમંત્રિત તરીકે સ્થાન આપી સામાજિક જવાબદારીનો વ્યાપ વધારવામાં આવશે.
આ સમિતિની બેઠક દર મહિને યોજવામાં આવશે અને આ બેઠકની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિન-સરકારી સભ્યોનો કાર્યકાળ ૨ વર્ષનો રહેશે. આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને ‘જન આરોગ્ય સમિતિ’ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
