સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ટોચના ખેલાડીઓની પસંદગી, વિજેતાઓને ટ્રોફી એનાયત
અમદાવાદ
ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા અમદાવાદ જિલ્લા અંડર-13 સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપ-2026 (બોયઝ અને ગર્લ્સ) માટેની સિલેક્શન ટૂર્નામેન્ટનું સફળ આયોજન ઓરિયન્ટ ક્લબ, એલિસબ્રિજ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં શહેરના અનેક યુવા ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
બોયઝ વિભાગમાં વીર પટેલ પ્રથમ
બોયઝ વિભાગમાં વીર પટેલે 4 પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. ધ્યાન પટેલ અને દૈવ્ય નાગડાએ પણ 4-4 પોઈન્ટ સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. મેઘ પરમાર 4 પોઈન્ટ સાથે ચોથા અને ધ્વિત મહેતા 3.5 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા હતા.
ગર્લ્સ વિભાગમાં આશ્વી સિંહનો વિજય
ગર્લ્સ વિભાગમાં આશ્વી સિંહે 4.5 પોઈન્ટ મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. રાયના પટેલ અને આર્યા શાહે 4-4 પોઈન્ટ સાથે અનુક્રમે દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું હતું. અનુશી પંડિત 3.5 પોઈન્ટ સાથે ચોથા અને કવિશા આદેશરા 3 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે રહ્યા હતા.
વિજેતાઓનું સન્માન, રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે
ટૂર્નામેન્ટના અંતે બોયઝ અને ગર્લ્સ બંને વિભાગના ટોચના દસ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આનંદ ચેસ એસોસિએશનના મયુર પટેલ તથા ઓરિયન્ટ ક્લબના રાકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત રાજ્ય ચેમ્પિયનશિપ માટે પસંદગી
સ્પર્ધાના બંને વિભાગોમાં પ્રથમ બે ક્રમે રહેલા ખેલાડીઓ હવે ગુજરાત રાજ્ય ચેસ ચેમ્પિયનશિપમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવા ખેલાડીઓ રાજ્ય સ્તરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ સ્પર્ધાએ યુવા ચેસ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ પૂરું પાડ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
