ભાવનગરમાં ચાલી રહેલી AIFF ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ ગ્રુપ-બીના પોઈન્ટ્સ ટેબલમાં ટોચે પહોંચી

ભાવનગર:
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે યોજાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2025-26માં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ ટીમે શાનદાર પ્રદર્શન કરીને પંજાબની મજબૂત ગણાતી મિનરવા એફસીને 10-3ના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ જીત સાથે ગુજરાતની ટીમ ગ્રુપ-બીના પોઈન્ટ્સ ટેબલમાં અગ્રસ્થાને પહોંચી છે.
ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમમાં રોમાંચક મુકાબલા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ભાવનગર સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં દેશભરની અગ્રણી ફૂટસલ ક્લબો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની દરેક મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ અને રમતપ્રેમીઓનો ઉમળકો જોવા મળી રહ્યો છે.
પ્રોગ્રેસિવ એસએનો આક્રમક દેખાવ
દિવસની બીજી મેચમાં ગુજરાતની પ્રોગ્રેસિવ એસએ ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી. મિનરવા એફસી જેવી મજબૂત ટીમ સામે ગુજરાતના ખેલાડીઓએ ગોલનો વરસાદ વરસાવી 10-3થી ભવ્ય જીત નોંધાવી હતી.
ગુજરાત તરફથી લાલસવમપુઈયાએ હેટ્રિક સાથે 3 ગોલ નોંધાવ્યા હતા, જ્યારે નિખિલ મલી અને ચૈતન કોમરપાન્તે 2-2 ગોલ ફટકાર્યા હતા. આ ઉપરાંત અમન શાહ, સેયઓન ડિસોઝા અને ગૌરવ કંકોંકરે 1-1 ગોલ કરીને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
કોર્બેટ એફસીની પણ શાનદાર જીત
દિવસની પ્રથમ મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસી ટીમે મધ્ય પ્રદેશની બિલ્ડ અપ સ્પોર્ટ્સ સામે એકતરફી દેખાવ કરતાં 9-3થી વિજય મેળવ્યો હતો. કોર્બેટ એફસીના ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.
આજે રમાશે વધુ બે મહત્વપૂર્ણ મુકાબલા
ચેમ્પિયનશિપ અંતર્ગત આજે બે મહત્વપૂર્ણ મેચો રમાનાર છે. પ્રથમ મુકાબલો મિઝોરમની ત્લંગનુયામ એફસી અને હિમાચલ પ્રદેશની એફસી બુશહર વચ્ચે યોજાશે. જ્યારે દિવસની બીજી મેચમાં રાજસ્થાનની ગંગાનગર સિટી એફસી અને કર્ણાટકની સાઉથ કોસ્ટલ યુનાઇટેડ એફસી આમને-સામને ટકરાશે.
ફૂટસલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને સ્થાનિક રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી મેચોમાં પણ ટીમ પાસેથી શ્રેષ્ઠ દેખાવની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
