૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ
ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો મેળવી આગામી કાર્યવાહી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ
સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૧૩૭ રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ સામે આવી હતી. જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ તમામ રેસ્ટોરન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત નિયમોનો ભંગ કરનારા કુલ ૬ રેસ્ટોરન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદ જિલ્લામાં ત્રણ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ૪૦ રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ સુધારવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરતમાં ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ શહેરના તમામ ઝોનમાં સઘન તપાસ હાથ ધરી હતી. કુલ ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને ૩૪ ઢાબામાં તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન કિચનની સ્વચ્છતા, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ ડેરી પ્રોડક્ટ્સ અંગેના ડિસ્પ્લે બોર્ડ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં મળી આવેલા ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૨૮ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અને કુલ રૂ. ૪,૪૩,૮૦૦નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. ગંભીર ખામીઓ અને અસ્વચ્છતા ધરાવતી ૪૩ હોટેલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે.
બાળકીના મોત બાદ રાજ્ય સરકારનું કડક વલણ
સુરતના વરાછા વિસ્તારમાં ૧૮ ઓગસ્ટે બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. ત્યારબાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ્સમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીની સઘન ચકાસણી કરવા ખાસ ડ્રાઇવના આદેશ આપ્યા હતા.
ભેળસેળિયાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા અનુસાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા, ભેળસેળ કરતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
