ગુજરાતમાં ભેળસેળિયા માફિયાઓ સામે સરકારની લાલ આંખ, એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ

Spread the love

એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર કડક રોક; ૫ ફેક્ટરીઓ સીલ, અનસેફ ખાદ્યપદાર્થો સામે કોર્ટ સુધી કાર્યવાહી

ગાંધીનગર:

ગુજરાતમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા માફિયાઓ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી પ્રફુલભા પાનસેરિયાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, રાજ્યમાં એક પણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે રાજ્યવ્યાપી કડક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

એનાલોગ પનીરના ઉત્પાદન-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ

આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનાલોગ પનીરના પ્રોડક્શન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સામાન્ય પનીરના વિકલ્પ તરીકે વેચાતા આ પ્રકારના ઉત્પાદનમાં મુખ્યત્વે પામ ઓઇલ અને મિલ્ક પાવડર જેવા ઘટકોનો ઉપયોગ થતો હોવાની માહિતી છે. મંત્રીએ જણાવ્યું કે, આ ઉત્પાદન વાસ્તવિક પનીર નથી અને આવા ભેળસેળિયા ઉત્પાદનોના સેવનથી આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

ઓરિજિનલ ડેરી ઉત્પાદનોના વેચાણમાં વધારો

એનાલોગ પનીર જેવા ભેળસેળિયા ઉત્પાદનો સામેની કાર્યવાહીથી રાજ્યની સહકારી ડેરીઓના પ્રમાણભૂત ઉત્પાદનોને પણ લાભ થયો છે. આવા ભેળસેળિયા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ બંધ થતાં ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ પનીર, ચીઝ તથા બટરનું વેચાણ વધ્યું હોવાનું આરોગ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું. આ કાર્યવાહીથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.

કલર અને કેમિકલયુક્ત ખાદ્યપદાર્થો સામે કાર્યવાહી

આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચારથી છ મહિનાથી રાજ્યભરમાં વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે અથવા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવા વધુ પડતા કલર કે કેમિકલયુક્ત ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવી રહ્યા છે. પોઝિટિવ રિપોર્ટ મળેલા કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મામલા કોર્ટ સુધી લઈ જવામાં આવ્યા છે.

ઊંઝામાં પાંચ ફેક્ટરીઓ સીલ

ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન ઊંઝામાં વરિયાળી અને જીરામાં કલર ભેળવતી પાંચ ફેક્ટરીઓને તાજેતરમાં સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોમાં કૃત્રિમ રંગ અને અન્ય ભેળસેળ કરનારા તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આવી પ્રવૃત્તિઓ સામે તપાસ અને કાયદેસરની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે.

નકલી તેલ-ઘી અંગે પણ કડક કાર્યવાહીનો સંદેશ

બનાસકાંઠા સહિત અન્ય વિસ્તારોમાં નકલી તેલ અને ઘીના વેચાણ અંગે ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલી ચિંતાના જવાબમાં આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, ફૂડ એક્ટ-૨૦૦૬ હેઠળ અનસેફ ખાદ્યપદાર્થોના કિસ્સામાં જેલ અને દંડની જોગવાઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ નાગરિક અથવા લોકપ્રતિનિધિ પાસે નકલી કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બનાવનાર અંગે નાની સરખી માહિતી પણ હશે તો સરકાર સુધી પહોંચાડવામાં આવે. આવી માહિતી મળતાં તાત્કાલિક અને સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ ભેળસેળિયા તત્વને રાજ્ય સરકાર સાંખી નહીં લે અને ખાદ્ય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *