આદિવાસી વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગથી વહેલી તકે દર્દીઓની ઓળખ અને સારવાર; રક્તપિત્તગ્રસ્તોને સરકાર દ્વારા વિવિધ સહાય
ગાંધીનગર:
ગુજરાતમાં રક્તપિત્ત નાબૂદી માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ કાર્યક્રમો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેના પરિણામે રાજ્યમાં રક્તપિત્તના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જ્યાં રક્તપિત્તના કેસો નોંધાયા છે, ત્યાં સઘન સ્ક્રીનિંગ અને કેસ ડિટેક્શન કેમ્પેઇન દ્વારા દર્દીઓને વહેલી તકે શોધી સારવાર હેઠળ મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ માહિતી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.
રક્તપિત્તના પ્રમાણદરમાં નોંધપાત્ર ઘટાડો
આરોગ્ય મંત્રીએ ગુજરાતમાં રક્તપિત્તના પ્રમાણદર અંગે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 1984-85માં દર 10,000 વ્યક્તિએ રક્તપિત્તનો પ્રમાણદર 21.1 હતો. વર્ષ 1994-95માં આ પ્રમાણદર ઘટીને 3.20, વર્ષ 2004-05માં 0.67 અને વર્ષ 2014-15માં 0.76 થયો હતો. જ્યારે જુલાઈ 2026ના અંત સુધીમાં આ પ્રમાણદર વધુ ઘટીને 0.48 નોંધાયો છે.
આમ, રાજ્યના અનેક જિલ્લાઓમાં અગાઉના વર્ષોની સરખામણીએ રક્તપિત્તના પ્રમાણદરમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, દક્ષિણ ગુજરાતના ટ્રાયબલ વિસ્તારોમાં દર 10,000ની વસ્તીએ એકથી વધુ પ્રમાણદર જોવા મળ્યો છે.
આદિવાસી વિસ્તારોમાં સઘન સ્ક્રીનિંગ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં જ્યાં જ્યાં રક્તપિત્તના કેસો જોવા મળ્યા છે, ત્યાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. કેસની વહેલી તકે ઓળખ કરી દર્દીઓને તાત્કાલિક સારવાર હેઠળ મૂકવામાં આવે છે. કેસો જોવા મળેલા વિસ્તારોમાં તમામ લોકોની સ્ક્રીનિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
દર્દીઓને સારવાર સાથે આર્થિક સહાય
રાજ્ય સરકાર દ્વારા રક્તપિત્તગ્રસ્ત દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને સારવાર આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સારવાર ચાલુ હોય ત્યાં સુધી રક્તપિત્તગ્રસ્ત દર્દીઓને દર મહિને રૂ. 2,000ની સહાય આપવામાં આવે છે.
આ ઉપરાંત, જરૂરિયાતમંદ રક્તપિત્તગ્રસ્ત દર્દી પ્લાસ્ટિક સર્જરી કરાવે તો વેઝલોસ તરીકે રૂ. 12,000ની રોકડ સહાય પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
નિઃશુલ્ક દવાઓ અને જરૂરી સાધનોનું વિતરણ
રક્તપિત્તના દર્દીઓ માટે પ્લાસ્ટિક સર્જરીની સુવિધા ઉપરાંત દર છ મહિને જરૂરિયાતમંદ દર્દીઓને ખાસ પ્રકારના માઇક્રોસેલ્યુલર રબર શૂઝ (બૂટ) વિનામૂલ્યે આપવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓને અલ્સર કિટનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
મંત્રીએ જણાવ્યું હતું કે રક્તપિત્તનું નિદાન અને સારવાર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ચેપી રક્તપિત્તના દર્દીઓને 12 મહિના અને બિનચેપી રક્તપિત્તના દર્દીઓને 6 મહિનાની બહુઔષધીય સારવાર (MDT) મફતમાં આપવામાં આવે છે.
લાંબો હોઈ શકે છે રોગનો સંવનનકાળ
રક્તપિત્ત માટે કોઈ એક ચોક્કસ વેક્સિન ઉપલબ્ધ નથી. રક્તપિત્તના બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા બાદ રોગના પ્રથમ ચિહ્નો દેખાવા વચ્ચેના સમયગાળાને સંવનનકાળ એટલે કે ઇન્ક્યુબેશન પિરિયડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ સમયગાળો 2થી 5 વર્ષનો હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે 6 વર્ષથી 30 વર્ષ સુધીનો પણ હોઈ શકે છે.
રોગના લક્ષણોમાં શરીરના કોઈપણ ભાગમાં આછું ઝાંખું કે રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું, જ્ઞાનતંતુઓ જાડા થવા અને સ્પર્શ કરવાથી દુખાવો થવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. રક્તપિત્ત ચેપી અને બિનચેપી એમ બે પ્રકારનો હોય છે.
સંત દેવીદાસ અને અમર દેવીદાસની સેવાને વંદન
આરોગ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાં રક્તપિત્ત અંગેની ભૂતકાળની સ્થિતિને યાદ કરતાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે રક્તપિત્તના દર્દીઓને સમુદ્રકિનારે કે અવાવરૂ જંગલોમાં છોડી આવવામાં આવતા હતા. આવી કઠોર પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રના પરબધામ (અમરમા) ખાતે સંત શ્રી દેવીદાસ અને શ્રી અમર દેવીદાસે રક્તપિત્તના દર્દીઓને આશ્રમમાં રાખી નિઃસ્વાર્થ સેવા કરી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ આવા મહાન સંતોને શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદન કર્યા હતા.
