ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત

Spread the love

18મી લોકસભા વર્ષ 2025-26 માટે પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં શાનદાર કામગીરી બદલ પૂર્વ રાજ્યસભા સાંસદનું સન્માન કરાયું

નવી દિલ્હી

18મી લોકસભા વર્ષ 2025-26 માટે ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને પ્રતિષ્ઠિત ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે 16મા સાંસદ રત્ન એવોર્ડ્સ-2026ના વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં સમારોહ

આ સમારોહ કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શિક્ષણ તથા પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ ડૉ. સુકાંત મજુમદાર, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવાઈ, NCBCના પૂર્વ ચેરમેન તથા એવોર્ડ માટેની જ્યુરી કમિટીના ચેરમેન હંસરાજ જી. આહીર અને સાંસદ ભર્તૃહરિ મહતાબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીનિવાસન તથા સાંસદ રત્ન એવોર્ડ કમિટીના ચેરમેન સુશ્રી પ્રિયદર્શિની રાહુલની વિશેષ ઉપસ્થિતિ પણ રહી હતી.

પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં સક્રિય કામગીરી

નરહરિ અમીનને 18મી લોકસભા વર્ષ 2025-26માં બજેટ સત્રના અંત સુધી સંસદમાં કરેલી કામગીરી, પ્રશ્નોત્તરી દરમિયાન સક્રિય ભાગીદારી તેમજ વિવિધ ચર્ચાઓમાં આપેલા યોગદાનના આધારે આ સન્માન આપવામાં આવ્યું છે. સંસદીય કામગીરીના વિવિધ માપદંડોને આધારે તેમની કામગીરીની નોંધ લેવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની પ્રેરણાથી પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2010થી ‘સાંસદ રત્ન એવોર્ડ’નું આયોજન કરવામાં આવે છે. સંસદીય કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સાંસદો અને સંસદીય સમિતિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

દેશભરમાંથી સાંસદોનું સન્માન

આ વર્ષે નરહરિ અમીન સહિત દેશભરમાંથી અનેક સંસદસભ્યોને સાંસદ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર મેળવનાર સાંસદોમાં જગદંબિકા પાલ, પી.પી. ચૌધરી, નિશિકાંત દુબે, શ્રીકાંત એકનાથ શિંદે, પ્રવીણ પટેલ, બિદ્યુત બરન મહતો, લુમ્બારામ ચૌધરી, હેમંત વિષ્ણુ સવારા, સ્મિતા ઉદય વાઘ, નરેશ ગણપત મ્હસ્કે અને મેધા વિશ્રામ કુલકર્ણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ચાર સંસદીય સમિતિઓને પણ એવોર્ડ

સમારોહમાં સંસદની ચાર મહત્ત્વની સમિતિઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને રેકોર્ડ બદલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં કૃષિ સમિતિના અધ્યક્ષ ચરણજિત સિંહ ચન્ની, નાણાકીય સમિતિના અધ્યક્ષ ભર્તૃહરિ મહતાબ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ સપ્તગિરિ શંકર ઉલાકા તથા કોલસા અને ખાણ સમિતિના અધ્યક્ષ અનુરાગ ઠાકુરનો સમાવેશ થાય છે.

પુસ્તકોનું પણ વિમોચન

સમારોહ દરમિયાન ‘ધ જર્ની ઓફ સાંસદ રત્નાસ 2026’ સહિત અન્ય બે પુસ્તકોનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદીય કામગીરી, લોકશાહી સંસ્થાઓ અને સાંસદોના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. ગુજરાત માટે આ સન્માન ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનને તેમની સંસદીય કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *