રિલાયન્સ કપમાં જામનગર, ગાંધીનગર, વડોદરા અને અમદાવાદની વિજયી શરૂઆત

Spread the love

ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો પ્રારંભ : જામનગરનો અરવલ્લી સામે 2-0થી વિજય, ગાંધીનગરે પંચમહાલને 4-0થી હરાવ્યું

ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાનો બુધવારથી પ્રારંભ થયો હતો. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને લીગ ધોરણે મુકાબલા રમાઈ રહ્યા છે.

ફાઇનલ રાઉન્ડ માટે જામનગર, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જુનાગઢ, છોટાઉદેપુર, અરવલ્લી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમોએ સ્થાન મેળવ્યું છે.

ફાઇનલ રાઉન્ડના પ્રથમ દિવસે જામનગરની ટીમે અરવલ્લી સામે 2-0થી વિજય મેળવી શાનદાર શરૂઆત કરી હતી. મેચની ચોથી જ મિનિટે જામનગરના રઘુબુદ્દીન સૈયદે ગોલ નોંધાવી ટીમને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ સેન જોસેફે વધુ એક ગોલ કરીને જામનગરની લીડ 2-0 કરી હતી. અંતે જામનગરની ટીમે અરવલ્લીને 2-0થી હરાવી મેચ પોતાના નામે કરી હતી.

બીજા મુકાબલામાં ગાંધીનગર અને પંચમહાલ વચ્ચે રસાકસી જોવા મળી હતી. પ્રથમ હાફના અંતે બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહેતાં સ્કોર 0-0 રહ્યો હતો. બીજા હાફમાં પંચમહાલના અભય રાણાના સેલ્ફ ગોલથી ગાંધીનગરને 1-0ની લીડ મળી હતી.

ત્યારબાદ ગાંધીનગરના કુલદીપસિંહ ઠાકોરે બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે હર્ષ વાઘેલાએ એક ગોલ કર્યો હતો. આ સાથે ગાંધીનગરની ટીમે પંચમહાલને 4-0થી હરાવી સ્પર્ધામાં વિજય નોંધાવ્યો હતો.

દિવસના ત્રીજા મુકાબલામાં વડોદરાની ટીમે ભાવનગર સામે શાનદાર પ્રદર્શન કરતાં 7-0થી એકતરફી વિજય મેળવ્યો હતો. સમગ્ર મેચ દરમિયાન વડોદરાની ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરીને ભાવનગરની ટીમને કોઈ તક આપી નહોતી.

ચોથા અને અંતિમ મુકાબલામાં અમદાવાદ અને આણંદ વચ્ચે રસાકસીભરી મેચ રમાઈ હતી. અમદાવાદ તરફથી આશિષ રાણા, ટફેલ હિંગોરા અને વિશાલ પાંડેએ એક-એક ગોલ નોંધાવ્યા હતા. આણંદ તરફથી મોયુદ્દીન અને પ્રિયાન્શુએ એક-એક ગોલ કર્યો હતો.

અંતે અમદાવાદે આણંદને 3-2થી હરાવી ફાઇનલ રાઉન્ડમાં વિજયી શરૂઆત કરી હતી.

આવતીકાલે ચાર મુકાબલા

ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કામાં આવતીકાલે ચાર મેચ રમાશે. જેમાં ગાંધીનગર અને જામનગર, પંચમહાલ અને અરવલ્લી, વડોદરા અને અમદાવાદ તથા દેવભૂમિ દ્વારકા અને રાજકોટની ટીમો આમને-સામને થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *