અમદાવાદ SOGનો મોટો સપાટો: રિક્ષામાંથી 90 પડીકીઓ ગાંજા સાથે 45 વર્ષીય ડ્રાઈવર ઝડપાયો

Spread the love

વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક SOGની કાર્યવાહી; 184 ગ્રામ ગાંજા સહિત રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત, બે શખ્સો સામે તપાસ

અમદાવાદ

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી પોલીસે એક ઓટોરિક્ષા ચાલકને 184 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસ દરમિયાન રિક્ષાની ડ્રાઇવર સીટ નીચેથી ગાંજાની કુલ 90 નાની પડીકીઓ મળી આવતા ચકચાર મચી છે.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવાઈ

SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોમવારે બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં બાતમી મળી હતી કે એક ઓટોરિક્ષા ચાલક નશીલો પદાર્થ લઈને વાસણા APMC મેટ્રો સ્ટેશન નજીક ગાંજાનું વેચાણ કરવા માટે આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વેજલપુર અને શ્યામલને જોડતા જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઓટોરિક્ષા નજરે પડતાં પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

સીટ નીચેથી પીળા રંગની બેગ મળી

પોલીસે ઓટોરિક્ષાની તલાશી લેતા ડ્રાઇવરની બેઠક નીચેથી એક પીળા રંગની બેગ મળી આવી હતી. બેગની અંદર કાળી પ્લાસ્ટિકની થેલીમાં ગાંજાની નાની-નાની પારદર્શક પડીકીઓ રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન આવી કુલ 90 પડીકીઓ મળી આવી હતી. FSL અધિકારી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

184 ગ્રામ ગાંજો, બે મોબાઈલ અને રિક્ષા જપ્ત

પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી કુલ 184 ગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.9,200 છે. આ ઉપરાંત રૂ.5,500ની કિંમતના બે મોબાઈલ ફોન અને અંદાજે રૂ.50,000ની કિંમતની ઓટોરિક્ષા પણ કબજે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

45 વર્ષીય રિક્ષાચાલક ઝડપાયો

આ કેસમાં પોલીસે વટવા સ્થિત ગોલ્ડન ટોકીઝ પાછળ નૂરનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષીય મોહમ્મદ આરિફ મઝહર હુસૈન સૈયદને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સોમવારે સાંજે આશરે 5 વાગ્યાના અરસામાં રિક્ષામાં ગાંજો લઈને વેજલપુર-શ્યામલ રોડ તરફ જઈ રહ્યો હતો.

અન્ય શખ્સનું નામ પણ સામે આવ્યું

પ્રાથમિક તપાસ દરમિયાન ફતેહવાડીના રહેવાસી ઉબેદ અમાનુલ્લાહ ખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે. ગાંજાના વેચાણ અને સપ્લાયમાં તેની સંડોવણી હોવાની આશંકાને પગલે પોલીસે તેની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.

ગાંજો ક્યાંથી આવ્યો? પોલીસની તપાસ શરૂ

SOG ક્રાઈમ બ્રાન્ચે NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને ગાંજાની 90 પડીકીઓ તૈયાર કરીને રિક્ષા મારફતે તેનું વિતરણ કરવામાં આવતું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *