ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે કડીના દંપતી સાથે ₹28 લાખની છેતરપિંડી, મુંબઈ એરપોર્ટ પહોંચતાં ભાંડો ફૂટ્યો

Spread the love

નકલી વિઝા અને જોબ ઓફર લેટર આપી તબક્કાવાર રૂપિયા પડાવ્યા; સોલા પોલીસે ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અમદાવાદ:

વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ફિનલેન્ડમાં નોકરી અને વર્ક પરમિટ અપાવવાના નામે કડીના એક દંપતી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સોલા પોલીસે 34 વર્ષીય રોહિત નટવરલાલ શર્મા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી આશ્રમ રોડ સ્થિત રત્ના બિઝનેસ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ‘મહંત ટ્રાવેલ્સ’ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

મિત્ર મારફતે આરોપી સાથે થયો પરિચય

પોલીસ ફરિયાદ મુજબ કડીમાં યુઝ્ડ કારનો વ્યવસાય કરતા પરાગ પટેલનો ઓક્ટોબર 2025માં એક મિત્ર મારફતે રોહિત શર્મા સાથે પરિચય થયો હતો. રોહિતે પરાગ પટેલ અને તેમની 22 વર્ષીય પત્ની રાજકુમારીને ફિનલેન્ડમાં નોકરી અપાવવાની તેમજ વર્ક પરમિટની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી. આ માટે બંને પાસેથી કુલ રૂ. 28 લાખ લેવાનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

પહેલા રૂ. 9 લાખ રોકડા લીધા

ફરિયાદી પરાગ પટેલે 30 ઓક્ટોબર 2025ના રોજ ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા નેહા એપાર્ટમેન્ટ ખાતે રોહિત શર્માને રૂ. 9 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ દંપતીને પોતાની ઓફિસે બોલાવીને ફિનલેન્ડની નોકરી માટેના જોબ ઓફર લેટર આપ્યા હતા. વિદેશ જવાની આશામાં દંપતીએ આરોપી પર વિશ્વાસ મૂક્યો હતો.

વિઝા અને પાસપોર્ટ પ્રોસેસિંગના નામે વધુ રકમ

નવેમ્બર 2025 દરમિયાન વિઝા અને પાસપોર્ટ પ્રોસેસિંગ સહિતની કાર્યવાહી કરવાના બહાને આરોપીએ દંપતી પાસેથી વધુ રૂ. 10 લાખ રોકડા લીધા હતા. આ દરમિયાન આરોપીએ વોટ્સએપ મારફતે ફિનલેન્ડના વિઝા હોવાનું જણાવી દસ્તાવેજો મોકલ્યા હતા. દંપતીને વિશ્વાસમાં લેવા માટે 10 નવેમ્બરના રોજ એપોલો હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો.

વર્ક પરમિટ થઈ ગયાનું કહી વધુ રૂ. 9 લાખ પડાવ્યા

આરોપીએ ત્યારબાદ દંપતીને વર્ક પરમિટ ઇશ્યૂ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. ફિનલેન્ડ જવા માટેની ટિકિટ અને અન્ય ખર્ચના નામે વધુ રૂ. 9 લાખ લેવામાં આવ્યા હતા. આમ, દંપતી પાસેથી તબક્કાવાર કુલ રૂ. 28 લાખ વસૂલવામાં આવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પહોંચતા હકીકત સામે આવી

દંપતીને 30 જાન્યુઆરી 2026ના રોજ મુંબઈથી ફિનલેન્ડ જવાની ફ્લાઇટની ટિકિટ આપવામાં આવી હતી. દંપતી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ આરોપીએ ટિકિટ રદ થઈ હોવાનું કહી તેમને પરત અમદાવાદ બોલાવી લીધા હતા. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ફરીથી નવી તારીખ આપીને 27 ફેબ્રુઆરીના રોજ દંપતીને મુંબઈ એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા.

આ વખતે પાસપોર્ટ પરત મળતાં દંપતીને સમગ્ર મામલો શંકાસ્પદ લાગ્યો હતો. પાસપોર્ટમાં ફિનલેન્ડના કોઈ માન્ય વિઝા ન હોવાનું સામે આવ્યું હતું. પરિણામે દંપતી ફિનલેન્ડ જઈ શક્યું નહોતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા દંપતીએ આરોપી પાસે રૂ. 28 લાખ પરત માંગ્યા હતા, પરંતુ તેણે રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો.

સોલા પોલીસે તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પરાગ પટેલની ફરિયાદના આધારે સોલા પોલીસે રોહિત નટવરલાલ શર્મા સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીએ આપેલા દસ્તાવેજો, જોબ ઓફર લેટર, કથિત વિઝા, નાણાકીય વ્યવહારો તેમજ વિદેશ જવાની ટિકિટ સહિતના પુરાવાઓની તપાસ હાથ ધરી છે. વિદેશમાં નોકરી અપાવવાના નામે અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *